Junagadh તા.૧૧
જૂનાગઢના ગિરનાર પર્વત પર વહેલી સવારે ૧૨ વર્ષના બાળક પર સિંહે અચાનક હુમલો કર્યો હતો. સિંહ બાળકને મોંમાં દબાવીને જંગલ તરફ ભાગી ગયો હતો. ભારે શોધખોળ બાદ જંગલમાંથી બાળકના માત્ર કપડાં અને શરીરના અવશેષો જ મળી આવ્યા છે. આ હૃદયદ્રાવક ઘટનાને પગલે વન વિભાગ અને પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો છે.
મળતી માહિતી મુજબ, ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના મોડજ ગામથી એક પરિવાર ગિરનારની યાત્રાએ આવ્યો હતો. વહેલી સવારે જ્યારે પરિવાર ગિરનારના પગથિયાં ચડી રહ્યો હતો ત્યારે આ ભયાનક ઘટના ઘટી હતી. બાળકના કુટુંબી કાકા અનિલકુમારસિંહ ચૌહાણના જણાવ્યાનુસાર, ’પરિવાર ગિરનારના મુખ્ય ગેટથી અંદર આશરે ૫૦ જેટલા પગથિયાં ઉપર જ પહોંચ્યો હતો. આ દરમિયાન અંધારામાંથી અચાનક એક સિંહે આવીને પાછળથી ૧૨ વર્ષના ભત્રીજા મયુરસિંહ પર તરાપ મારી હતી. સિંહ બાળકને મારા હાથમાંથી જ ખેંચીને ગણતરીની સેકન્ડોમાં જંગલ તરફ ભાગી ગયો હતો.’
ચીસાચીસ અને ભારે દોડધામ બાદ જંગલમાં શોધખોળ કરતા બાળકના બૂટ, લોહીથી લથબથ કપડાં અને શરીરના કેટલાક અવશેષો જ હાથ લાગ્યા છે.આ ઘટનાબાદ સુરક્ષાના ભાગરૂપે ગિરનારની મુખ્ય સીડી પર સામાન્ય અવરજવર તદ્દન બંધ કરી દેવામાં આવી છે. શ્રદ્ધાળુઓને હવે જટાશંકર નજીકની જૂની સીડી તરફથી આવવા-જવા માટે સૂચના આપવામાં આવી છે.
વન વિભાગ, પોલીસ અને ટ્રેકર્સની ટીમો દ્વારા એક સિંહને પકડી પાડ્યો હતો. તપાસ દરમિયાન સિંહની ઊલટીમાંથી માનવ શરીરના ભાગો મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે. હાલમાં વન વિભાગ દ્વારા આ સમગ્ર મામલે તપાસ અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે. ભક્તો અને શ્રદ્ધાળુઓની સુરક્ષાને સર્વોપરી રાખીને તંત્ર દ્વારા ગિરનારની નવી સીડી આગામી સૂચના સુધી પ્રવાસીઓ માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે.

