Morbi, તા.18
હળવદના માનસર ગામ પાસે આવેલ જેટકોના 400 કે.વી. સબ સ્ટેશનમાં લાઈન ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતો કર્મચારી ગેરહાજર હતો જેથી કાર્યપાલક ઈજનેરે તેની હાજરી માસ્ટરમાં ગેરહાજરી કરી હતી જે બાબતનું મનદુખ રાખીને બોલાચાલી કરી હતી અને ગાળો આપીને ગાલ ઉપર અધિકારીને થપ્પડ મારી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ભોગ બનેલ અધિકારી દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરેલ છે
મૂળ મોરબીમાં આવેલ ઉમટાઉનશીપ ખાતેના રહેવાસી અને હાલમાં હળવદના સરા રોડ ઉપર આવેલ હરીનગર સોસાયટીમાં રહેતા અને જેટકોમાં કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવતા નીતિનભાઈ જયસુખભાઈ લોરીયા (33)એ હસમુખભાઈ કાનજીભાઈ ચાવડા રહે. વડવાળી શેરી સોની તલાવડી ધાંગધ્રા વાળાની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે.
જેમાં જણાવ્યું છે કે આરોપી હળવદ તાલુકાના માનસર ગામે આવેલ 400 કે.વી. જેટકોના લાઇન ઇન્સ્પેક્ટર તરીકે નોકરી કરે છે જો કે, અગાઉ નોકરીમાં ગેરહાજર રહેલ હોય તે દરમિયાન ફરિયાદીએ હાજરી માસ્ટરમાં તેમની હાજરી સામે લીટો મારેલ હતો જે બાબતનું મનદુ:ખ રાખીને બોલાચાલી કરી ઝપાઝપી કરી હતી.
અને અભદ્ર ગાળો આપી ઉશ્કેરાઈ જઈને ફરિયાદીને ગાલ ઉપર થપ્પડ મારી હતી અને અર્થીંગ દંડો લઈને મારવા માટેનો પ્રયાસ કર્યો હતો અને ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી કરીને ભોગ બનેલા જેટકોના અધિકારીએ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

