રહેવાસીઓનું કલેક્ટર, કમિશનર અને એસપીને આવેદન પરવાનગી ન આપવા માંગ
(નયના દવે દ્વારા)
Jamnagar તા.૨૯ઃ
Jamnagar શહેરના ગીતા મંદિર નજીકના રહેણાંક વિસ્તારમાં જેન-ઝી ગરબા મહોત્સવના નામે નવરાત્રીના મેગા આયોજનની જાહેરાત થતાં સ્થાનિક રહેવાસીઓમાં રોષ ફેલાયો છે. પારસ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી, પંચવટી ગૌશાળા વિસ્તાર, મહાવીર સોસાયટી અને અંબાવિજય કો-ઓપરેટિવ સોસાયટીના રહેવાસીઓએ જિલ્લા કલેક્ટર, મ્યુનિ. કમિશનર અને જિલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત કરી આ પ્રકારના આયોજનને મંજૂરી ન આપવા માંગ કરી છે.રહેવાસીઓએ રજૂઆતમાં જણાવ્યું છે કે, ગીતા મંદિર નજીકના એક કોમન પ્લોટમાં ૪૦૦૦ જેટલા ખેલૈયાઓ એ.સી. ડોમમાં ગરબા રમી શકે તેવી વ્યવસ્થા સાથે રાત્રિના ૧૦થી ૨ વાગ્યા સુધી જેન-ઝી ગરબા મહોત્સવ યોજવાની જાહેરાત કરવામાં આવી છે. નવરાત્રી સાંસ્કૃતિક ઉત્સવ છે, પરંતુ રહેણાંક વિસ્તારની વચ્ચોવચ આ પ્રકારનું વ્યાપારી ધોરણે મોટું આયોજન કરવામાં આવે તો સ્થાનિકોની શાંતિ અને સુવિધા ઉપર અસર થઈ શકે છે.
રહેવાસીઓના જણાવ્યા મુજબ, મોટા અવાજે સંગીત અને ગરબાના આયોજનથી બાળકો, વૃદ્ધો સહિત સમગ્ર વિસ્તારના લોકો પરેશાન થઈ શકે છે. ઉપરાંત ૪ હજાર લોકોના વાહનોના પાર્કિંગની વ્યવસ્થા પણ રહેણાંક વિસ્તારમાં મુશ્કેલીરૂપ બની શકે છે. સતત લોકોની અવરજવરથી શાંતિ ડહોળાવાની તેમજ ટ્રાફિકની સમસ્યા ઊભી થવાની શક્યતા વ્યક્ત કરી તંત્રને આયોજનની મંજૂરી ન આપવા રજૂઆત કરવામાં આવી છે.
બીજી તરફ, જેન-ઝી ગરબાના આયોજક રાજેશભાઈ ગાંધીએ જણાવ્યું હતું કે, આયોજન માટેનું મેદાન અંબા વિજય પ્રાઈવેટ લિમિટેડનું છે અને એક રૂપિયાના ટોકન ભાડે લેવામાં આવ્યું છે. મેદાનમાં સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી હતી ત્યારે કેટલાક સ્થાનિકોએ કામ અટકાવવાનો પ્રયાસ કર્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.
આયોજકે વધુમાં જણાવ્યું હતું કે, સ્થાનિકોની રજૂઆતને ધ્યાનમાં લઈ આયોજનનો સમય રાત્રે ૭૩૦થી ૧૧૩૦ વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે. ૧૯૯૬ બાદ જન્મેલા જેન-ઝી પેઢીના યુવાનો માટે યોજાનારા આ વિશેષ ગરબા મહોત્સવમાં ૧૦૦૦ યુવતીઓને નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે. કાર્યક્રમમાંથી થનારી આવક જામનગરની બહાર બનનારી હાલાર યુનિવર્સિટીની સ્થાપનાના કાર્યમાં વાપરવામાં આવશે તેમ પણ આયોજકે જણાવ્યું હતું.

