નદીમાંથી ગેરકાયદે રીતે રેતી ભરીને નીકળતા ડમ્પરોનો પીછો કરીને પાંચ ઝડપી પાડ્યા
(મિલાપ રૂપારેલ દ્વારા)
Amreli તા.૩૧
અમરેલી જિલ્લાના લીલીયા તાલુકામાં ગેરકાયદે રેતી ખનન અને પરિવહન કરતા ખનિજ માફિયાઓ સામે લીલીયા મામલતદાર અને પોલીસની સંયુક્ત ટીમે ગઈ મોડી રાત્રે કાર્યવાહી હાથ ધરી હતી. પુતળિયા ગામ નજીક દરોડા દરમિયાન પાંચ જેટલા ડમ્પર ઝડપી પાડવામાં આવતા ખનિજ માફિયાઓમાં દોડધામ મચી ગઈ હતી.
અમરેલી જિલ્લાના લીલીયા તાલુકામાં ગેરકાયદે ખનિજ ચોરી અટકાવવા મામલતદાર અને પોલીસની ટીમે મોડી રાત્રે પુતળિયા ગામ નજીક સંયુક્ત દરોડો પાડ્યો હતો. કાર્યવાહી દરમિયાન નદીમાંથી ગેરકાયદે રીતે રેતી ભરીને નીકળતા ડમ્પરોનો પીછો કરીને પાંચ ડમ્પરને ઝડપી પાડવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, એક ડમ્પર રેતી ભરેલી હાલતમાં ઝડપાયું હતું, જ્યારે અન્ય ચાર ડમ્પરના ચાલકોએ કાર્યવાહીથી બચવા માટે રસ્તામાં જ રેતી ખાલી કરી ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો. જો કે મામલતદાર અને પોલીસની સતર્ક ટીમે ગામની શેરીઓમાં ઘૂસી ગયેલા ડમ્પરોને પણ ઝડપી પાડી કાર્યવાહી કરી હતી.
આ અચાનક દરોડાના કારણે ખનિજ માફિયાઓમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. સમગ્ર કાર્યવાહી દરમિયાન મામલતદાર અને પોલીસની ટીમે સંકલન સાથે કામગીરી કરી ગેરકાયદે ખનિજ પરિવહન સામે કડક વલણ અપનાવ્યું હતું. સ્થાનિક સ્તરે એવી ચર્ચા પણ ઉઠી રહી છે કે જ્યાં ખાણ અને ખનીજ વિભાગ તરફથી અસરકારક કાર્યવાહી જોવા મળતી ન હતી, ત્યાં મામલતદાર અને પોલીસની ટીમે આગળ આવી ખનિજ ચોરી કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરીને ગેરકાયદે પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવાનો પ્રયાસ કર્યો છે. ઝડપાયેલા ડમ્પરો અંગે જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

