(નયના દવે દ્વારા),Jamnagar તા.06
જામનગર તા.૬ જૂન, આપત્તિ સમયે ત્વરિત અને અસરકારક પ્રતિસાદ સુનિશ્ચિત કરવા માટે જિલ્લા કલેક્ટરશ્રી પી.બી.પંડ્યાના માર્ગદર્શન હેઠળ જામનગરના સિક્કામાં આવેલ ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડમાં ભૂકંપ અંગેની મેગા મોકડ્રિલનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. સવારે ૯:૦૦ કલાકે ૭.૨ની તીવ્રતાનો ભૂકંપ આવતા કારીગરોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. જેમાં ૧૧ લોકો ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અને અન્ય લોકોનું પણ આરોગ્યની ટીમ દ્વારા મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. ભૂકંપનું કેન્દ્ર બિંદુ કચ્છના અખાતમાં નોંધાયું હતું. આ મોકડ્રિલનો મુખ્ય હેતુ વિવિધ વિભાગો વચ્ચે સંકલન, બચાવ કામગીરીની તૈયારી અને આપત્તિ સમયે ઉપલબ્ધ સંસાધનોની કાર્યક્ષમતાનું મૂલ્યાંકન કરવાનો હતો.
મોકડ્રિલ દરમિયાન ભૂકંપની કલ્પિત પરિસ્થિતિ ઊભી કરવામાં આવી હતી, જેમાં રહેણાંક અને ઔદ્યોગિક વિસ્તારોમાં નુકસાન, લોકો ઘાયલ થવા તેમજ ઇમારતોમાં લોકો ફસાઈ જવાની ઘટના દર્શાવવામાં આવી હતી. પરિસ્થિતિને અનુરૂપ તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી.કાર્યક્રમમાં જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ વિભાગ, અગ્નિશામક દળ, આરોગ્ય વિભાગ, રાજ્ય આપત્તિ પ્રતિસાદ દળ (SDRF), ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ તેમજ સ્વયંસેવક સંસ્થાઓએ સક્રિય ભાગ લીધો હતો. બચાવ ટીમોએ ઘાયલોને સુરક્ષિત સ્થળે ખસેડવા, પ્રાથમિક સારવાર પૂરી પાડવા, ફસાયેલા લોકોને બહાર કાઢવા તથા જોખમગ્રસ્ત વિસ્તારોને સુરક્ષિત કરવાની કામગીરીનું જીવંત પ્રદર્શન કર્યું હતું.
મોકડ્રિલ દરમિયાન ઇન્સિડન્ટ કમાન્ડ સિસ્ટમ (ICS) અંતર્ગત વિવિધ વિભાગો વચ્ચે સંકલન અને સંચાર વ્યવસ્થાની પણ ચકાસણી કરવામાં આવી હતી. ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને વિવિધ ટીમોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.મોકડ્રીલ બાદ તમામ વિભાગોની કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું અને ભવિષ્યમાં આપત્તિ પ્રતિસાદ વ્યવસ્થાને વધુ સક્ષમ બનાવવા માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. સાથે જ નાગરિકોને પણ ભૂકંપ જેવી કુદરતી આપત્તિ સમયે સલામતીના નિયમો અને સાવચેતીઓ અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.
ઇન્સિડન્ટ કમાન્ડન્ટ ઓફિસરશ્રી બ્રિજેશ કાલરીયાએ જણાવ્યું હતું કે, આવી મોકડ્રીલ્સ દ્વારા આપત્તિ સમયે પડકારોનો સામનો કરવાની ક્ષમતા વધે છે, કર્મચારીઓમાં આત્મવિશ્વાસ વિકસે છે અને જનસુરક્ષા માટે જરૂરી તૈયારીઓ વધુ મજબૂત બને છે. આપત્તિ વ્યવસ્થાપન માટેની તૈયારીઓ સતત પ્રક્રિયા છે અને આવી તાલીમાત્મક પ્રવૃત્તિઓ નિયમિતપણે યોજાતી રહેશે.મોકડ્રીલમાં GSECL ના અધિકારીશ્રીઓ, જામનગર જિલ્લા વહીવટી તંત્રના સંલગ્ન વિભાગની ટીમો, લગત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

