Surendranagar તા.3
જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા તા. 1લી ઓગસ્ટે રેડ એલર્ટ જાહેર કરાયુ હતુ. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ જ તા. 31મી જુલાઈને શુક્રવારે સાંજે શરૂ થયેલ વરસાદે જિલ્લાને જળબંબાકાર કરી દીધો છે.
શુક્રવાર સાંજથી શનિવાર બપોર સુધીમાં જિલ્લાના દસેય તાલુકાઓમાં અવિરત વરસાદ ચાલુ રહ્યો હતો. રાતના સમયે પડેલ ભારે વરસાદથી સુરેન્દ્રનગર શહેર પાણી પાણી થઈ ગયુ હતુ.શહેરના રસ્તાઓ પર ચીક્કાર પાણી ભરેલા હતા અને સોસાયટીઓ જળમગ્ન બની ગઈ હતી.
અમુક નીચાણવાળા વિસ્તારોમાં તો લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા હતા. સતત વરસાદથી મુળીનો નાયકા, સુરેન્દ્રનગરનો ધોળીધજા અને ચૂડાનો વાંસલ ડેમ ઓવરફલો થયા છે. આ ઉપરાંત અનેક ગામ તળાવો છલકાયા હતા.
છેલ્લા 24 કલાકની વાત કરીએ તો સૌથી વધુ વરસાદ ધ્રાંગધ્રા તાલુકામાં 229 મીમી નોંધાયો છે. જયારે સૌથી ઓછો વરસાદ લીંબડી પંથકમાં 85 મીમી પડયો છે. સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરમાં પણ 227 મીમી વરસાદ વરસ્યો છે.
નાયકા અને ધોળીધજા ડેમ ઓવરફલો થતા સુરેન્દ્રનગર-વઢવાણ શહેરમાંથી પસાર થતા ભોગાવા નદીમાં પાણી આવ્યુ છે. હવામાન વિભાગ દ્વારા આજે તા.2જી ઓગસ્ટના રોજ સુરેન્દ્રનગર જિલ્લામાં યલો એલર્ટ અપાયુ છે. જેમાં છુટાછવાયા વરસાદની શકયતા વ્યકત કરાઈ છે. બીજી તરફ ચૂડા તાલુકામાં આવેલ વાંસલ ડેમ વર્તમાન ચોમાસામાં બીજી વાર ઓવરફલો થયો છે.

