Gandhinagar તા.2
ભારતમાં નૈઋત્ય ચોમાસાના આગમનની પ્રતિક્ષા થઇ રહી છે પરંતુ તે પૂર્વે જ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સના પ્રભાવ હેઠળ દેશના અનેક રાજ્યોમાં આંધી સાથે વરસાદ ખાબક્યા બાદ હવે ગુજરાતમાં પણ મીની વાવાઝોડા સાથે તોફાની વરસાદ થયો હતો. 150 તાલુકામાં હળવા ઝાપટાથી માંડીને પોણા ચાર ઇંચ પાણી વરસ્યું હતું.
આક્રમક વરસાદી માહોલમાં વૃક્ષો-થાંભલા જમીન દોસ્ત થયા હતા. વિશાળ હોર્ડિંગ્સ તુટ્યા હતા. છાપરા ઉડ્યા હતા, સંખ્યાબંધ ભાગોમાં વિજ પુરવઠો ખોરવાયો હતો. રાજ્યમાં વરસાદી દુર્ઘટનામાં પાંચ લોકોનો ભોગ લેવાયો હતો અને અન્ય સંખ્યાબંધ ઘાયલ થયા હતા. અમદાવાદ એરપોર્ટે સાત ફ્લાઇટ ડાઇવર્ટ કરવી પડી હતી.
દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર સિવાયના જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. સૌથી વધુ 3.74 ઇંચ વરસાદ ધંધૂકામાં નોંધાયો હતો. ઉમરપાડામાં પોણા ત્રણ ઇંચ, ખેડામાં પોણા બે ઇંચ, માતર-લખતરમાં દોઢ ઇંચ, ચુડા, નડીયાદમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો.
સમગ્ર રાજ્યમાં અચાનક વાતાવરણમાં આવેલા પલટા અને પ્રચંડ મિની વાવાઝોડાએ ભારે તબાહી મચાવી હતી. વિજળીના કડાકા-ભડાકા અને પવનના સુસવાટા સાથે શરૂ થયેલા તોફાની વરસાદને કારણે ક્યાંક હોર્ડિંગ્સ અને વૃક્ષો ધરાશાયી થયા છે, તો ક્યાંક રસ્તાઓ ધોવાઈ જતાં જનજીવન પ્રભાવિત થયું છે.
કુદરતના આ આક્રમક મિજાજ વચ્ચે અલગ-અલગ દુર્ઘટનાઓમાં રાજ્યમાં કુલ 5 લોકોના મોત નીપજ્યા હોવાના સત્તાવાર અહેવાલો સાંપડ્યા છે, જ્યારે અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
બનાસકાંઠાના વાવ અને થરાદ પંથકમાં વાવાઝોડા સાથે ત્રાટકેલા વરસાદે બે જિંદગીઓ હોમી દીધી હતી. માડકા ગામે ભારે પવનના કારણે પતરાનો શેડ તૂટી પડતાં તેની નીચે દબાઈ જવાથી 42 વર્ષીય વ્યક્તિનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે ભાભરના તનવાડ ગામે 60 વર્ષીય વૃદ્ધા પર મહાકાય વૃક્ષ ધરાશાયી થતાં તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ ઉપરાંત, બનાસકાંઠાના જ ડીસાના વરણ ગામે એક મકાનની દીવાલ ધસી પડતાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે અને અન્ય 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે. બીજી તરફ, દાહોદમાં ત્રાટકેલા મિની વાવાઝોડા દરમિયાન ગરબાડા ચોકડી નજીક એક વિશાળ સાઇન બોર્ડ ઉડીને ફંગોળાયું હતું. દાહોદમાં વાવાઝોડા સંબંધિત અલગ દુર્ઘટનાઓમાં વધુ 2 લોકોના મોત નીપજ્યા છે.
ડીસા-થરાદ હાઇવે પર ભારે પવનના લીધે અનેક વૃક્ષો રોડ પર જ ધરાશાયી થઈ જતાં કલાકો સુધી વાહનવ્યવહાર ખોરવાયો હતો. લાખાણી અને દિયોદર સહિતના તાલુકાઓમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. દિયોદર-જેતડા હાઇવે પર પણ વૃક્ષો પડવાની ઘટનાઓ સામે આવી છે. આ કમોસમી તોફાનના કારણે ડીસા માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં રાખેલી અનાજની હજારો બોરીઓ પલળી જતાં ખેડૂતો અને વેપારીઓને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. મહીસાગરમાં પણ વાવાઝોડું ત્રાટકતાં એક ભાગવત કથા માટે તૈયાર કરાયેલો વિશાળ મંડપ જમીનદોસ્ત થઈ ગયો હતો.
મધ્ય ગુજરાતના વડોદરા, વાઘોડિયા, સાવલી અને ડભોઈ પંથકમાં કડાકા-ભડાકા સાથે મુશળધાર વરસાદ ખાબક્યો હતો. સાવલીના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. વડોદરાના અનેક વિસ્તારોમાં હોર્ડિંગ્સ અને વૃક્ષો ધરાશાયી થવાને કારણે તેમજ વીજ પુરવઠો ખોરવાઈ જતાં અંધારપટ છવાઈ ગયો હતો.
અમદાવાદ શહેરમાં માત્ર 3 કલાકમાં જ એક ઇંચ જેટલો વરસાદ ખાબકતા રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા.
ટાગોર હોલ વિસ્તારમાં એક ઇંચ, જ્યારે રામોલ અને વાસણામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. મહુડી ભાગોળ, નવીનગરી અને જનતાનગરમાં પણ પાણી ભરાયા હતા. અમદાવાદમાં સેન્ટ ઝેવિયર્સ કોલેજથી કોમર્સ છ રસ્તા વચ્ચે પાણી ભરાઈ જતાં વાહનચાલકો અટવાયા હતા. ખરાબ હવામાન અને વાવાઝોડાના કારણે અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટો ઉતરી શકી ન હતી, જેના પગલે 7 જેટલી ફ્લાઇટોને સુરત તરફ ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી.
સૌરાષ્ટ્રના મોરબી જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો, જેના કારણે સમગ્ર પંથકમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. બોટાદ જિલ્લામાં પણ ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું હતું, જેમાં સાળંગપુર, લાઠીદડ, પાળીયાદ અને ગઢડા સહિતના ગ્રામ્ય વિસ્તારોનો સમાવેશ થાય છે. દક્ષિણ ગુજરાતના નવસારીમાં વાવાઝોડા સાથે ખાબકેલા વરસાદને કારણે ઠેર-ઠેર કાદવ-કીચડનું સામ્રાજ્ય સ્થપાયું હતું. છોટાઉદેપુરના બોડેલી પંથકમાં પણ ચાચક, ઢોકલીયા, આલિખેરવા અને મોડાસર સહિતના ગામોમાં ભારે વરસાદના અહેવાલ છે. ડાંગ જિલ્લામાં આહવા-વઘઇ રોડ પર પિંપરી પાસે મહાકાય વૃક્ષ અને દિશા સૂચક બોર્ડ ધરાશાયી થતાં વહીવટી તંત્ર દોડતું થયું હતું.

