Morbi, તા.17
મોરબીના સામાકાંઠે આવેલા મહેન્દ્રનગર ગામે ભરાતી બુધવારી બજારમાંથી સગીરાનું અપહરણ થયેલ હોય ભોગ બનેલ સગીરાના પરિવારે પોલીસમાં જાણ કરી છે.
બી ડિવિઝન પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે, મૂળ માળિયા મિંયાણાના સરવડ ગામના અને હાલ મોરબીના વિસીપરા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર વયની દીકરી કામ સબબ મહેન્દ્રનગર ગામ પાસે ભરાતી બુધવારી બજારમાં ગઇ હતી.
ત્યાંથી કોઈ અજાણ્યો શખ્સ તે સગીરાનું ગત તા.11-3 ના બપોરના અપહરણ કરી ગયેલ છે. ઘરમેળે સગીરાની શોધખોળ કરવા છતાં તેણીનો કોઈ પતો લાગ્યો ન હતો.જેથી ભોગ બનેલ સગીરાના પરિવારજન દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવતા પોલીસે અપહરણ સહિતની કલમો હેઠળ અજાણ્યા ઈસમની સામે ગુનો દાખલ કર્યો છે.જેની આગળની તપાસ પીએસઆઇ વિ.એલ. વાઘેલા ચલાવી રહ્યા છે.
વાહન અકસ્માતમાં ઇજા
મોરબી-કચ્છ હાઇવે ઉપરના સુરજબારી પુલ ખાતે છોટા હાથી પલ્ટી મારી જતાં શક્તિસિંહ જોરૂભા જાડેજા (33) રહે.તલવાણા કચ્છને ઇજા થતા અહીંની આયુષ હોસ્પિટલમાં સારવાર માટે લવાયા હતા. સામાકાંઠે મહેન્દ્રનગર ગામ પાસે હળવદ રોડ ઉપર રહેતો જયદીપ મેરૂભાઈ ભરવાડ નામનો 15 વર્ષનો યુવાન ઘર નજીક પડી ગયેલ હોય તેને ઈજા થઈ હતી.જેથી ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવ્યો હતો.
બાળક-યુવાન સારવારમાં
નવલખી ફાટક પાસે વિજયનગર વિસ્તારમાં રહેતા પરિવારનો ફૈઝલ ઈસ્માઈલભાઈ પઠાણ નામનો બે વર્ષનો બાળક ઘરે રમતા રમતા ભૂલથી ટર્પેન્ટાઇન પી ગયો હતો.જેથી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જ્યારે મોરબીની અણીયારી ચોકડી પાસે થયેલ વાહન અકસ્માતના બનવામાં ઇજા પામેલ મોહમ્મદભાઈ આદમભાઈ કારેલી (27) રહે.ખીરઇ તા.માળીયા(મિં.) ને જેતપર સીએચસી ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.
દવા પી લેતા
માળીયા મિંયાણા ખાતે રહેતો મોહસીનભાઈ હસનભાઈ મોવર નામનો 22 વર્ષનો યુવાન કોઈ કારણોસર દવા પી ગયો હતો જેથી તેને અર્ધ બેભાન હાલતમાં અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. એ ડિવિઝન પોલીસ મથકના બી.આર. ખટાણાએ પ્રાથમિક તપાસ કરી હતી. જ્યારે માળિયા મિંયાણાના ખાખરેચી ગામે રહેતા નરેન્દ્રભાઈ ચમનલાલ પરમાર નામના 55 વર્ષના આધેડને તેઓના ઘરે ચક્કર આવી જતા પડી ગયા હતા અને માથામાં ઇજા પહોંચી હોય અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

