Jamnagar તા 01
જામનગર નજીક નવા નાગના ગામમાં રહેતી અને દસમા ધોરણમાં અભ્યાસ કરતી એક સગીરા પર તેજ ગામના અને નજીકના કુટુંબી એવા શખ્સે દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી દીધા નો કિસ્સો સામે આવતાં ભારે ચકચાર જાગી છે. જે બનાવ અંગે સગીરાની માતા દ્વારા આરોપી સામે બેડી મરીન પોલીસ મથકમાં દુષ્કર્મ અંગે નો ગુન્હો નોંધાવ્યો છે.
જે ફરિયાદ નોંધાવ્યા બાદ આરોપીએ ટ્રેન હેઠળ પડતું મૂકી દઈ આપઘાત નો પ્રયાસ કરતાં ઇજાગ્રસ્ત બન્યો હતો, અને હાલ સારવાર હેઠળ છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકા ના નવાનાગના ગામમાં રહેતી અને દસમા ધોરણમાં અભ્યાસ કરતી ૧૫ વર્ષની સગીરા કે તેણીને પોતાનાંજ કુટુંબી અને નાગના ગામમાં જ રહેતા ૨૫ વર્ષ ના એક શખ્સે પોતાની હવસનો શિકાર બનાવી હતી, અને તેના કારણે સગીરા ગર્ભવતી બની ગઈ હતી.
આખરે પાપ છાપરે ચડીને પોકારે તેમ સગીરા ને પ્રસુતિની પીડા ઉપડી હતી, અને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તબિબોએ તેણીને ગર્ભવતી જાહેર કરી હતી, એટલુંજ માત્ર નહીં, તેણીએ મૃત બાળકને જન્મ આપી દીધો હતો.
જેથી આખરે મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો, અને બેડી મરીન પોલીસ સ્ટેશનની ટીમ હરકતમાં આવી ગઈ હતી.
જેઓએ ભોગ બનનાર સગીરા ની માતાનું નિવેદન નોંધ્યું હતું, જેમાં તેણીએ પોતાના પાડોશમાં જ રહેતા અને નજીકના કુટુંબી એવા ૨૫ વર્ષના શખ્સ સામે દુષ્કર્મ અંગેની ફરિયાદ નોંધાવી હતી,
જે અંગે બેડી મરીન પોલીસ મથકમાં આરોપી સામે પોકસો સહિતની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
જે આરોપીને પોલીસ ટુકડી શોધી રહી હતી, દરમિયાન આરોપી જામનગર નજીક જામ વણથલી રેલવે સ્ટેશને પહોંચી ગયો હતો, જ્યાં તેણે ટ્રેન હેઠળ પડતું મૂકી દઈ આપઘાત નો પ્રયાસ કરતાં પોતે ગંભીર સ્વરૂપે ઘાયલ થયો હતો, અને તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જેના હાથ ભાગી ગયા હોવાથી તેની સારવાર ચાલી રહી છે. આ બનાવને લઈને નવા નાગના ગામમાં ભારે ચર્ચા જાગી છે. સમગ્ર મામલા માં બેડી મરીન પોલીસ સ્ટેશનની ટીમ વધુ તપાસ ચલાવી રહી છે.