એકવાર સુદામાએ ભગવાન શ્રીકૃષ્ણને પુછ્યું કે પ્રભુ ! હું આપની માયાના દર્શન કરવા ઇચ્છું છું કે તે કેવી છે? શ્રીકૃષ્ણે સુદામાની વાત ટાળવાનો પ્રયાસ કર્યો પણ સુદામાના ઘણા જ આગ્રહથી ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું કે ઠીક છે સમય આવશે ત્યારે હું તને મારી માયા બતાવીશ.એક દિવસ ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે ચાલો સુદામા આજે ગોમતીમાં સ્નાન કરવા જઇએ.તેઓ બંન્ને ગોમતીના કિનારે ગયા,વસ્ત્રો ઉતાર્યા અને બંન્ને નદીમાં ઉતર્યા.શ્રીકૃષ્ણ સ્નાન કરીને કિનારે પાછા આવી પોતાના પીળા વસ્ત્રો ધારણ કર્યા. સુદામાએ જોયું કે શ્રીકૃષ્ણ કિનારે ગયા છે ત્યાં સુધી હું એક ડૂબકી લગાવી લઉં અને જેવી સુદામાએ ડુબકી લગાવી તે સમયે ભગવાને તેમને પોતાની માયાનાં દર્શન કરાવ્યાં.
સુદામાને ગોમતી નદીમાં પૂર આવ્યું હોય તેવો અનુભવ થયો અને આ પૂરમાં તે તણાઇ રહ્યા છે. સુદામા ગમે તેમ કરીને નદી કિનારાના ઘાટ ઉપર પહોચ્યા અને ત્યાં ભટકવા લાગ્યા અને ત્યાં એક નગરના ઘાટ ઉપર પહોચ્યા,ત્યાં એક માદા હાથીએ તેમના ગળામાં ફુલોની માળા પહેરાવી દીધી.એવું લાગી રહ્યું હતું કે ભગવાન શ્રીકૃષ્ણ સુદામાજીને પોતાની માયા બતાવી રહ્યા છે.સુદામાજી આશ્ચર્યચક્તિ થઇ ગયા.ગામના તમામ લોકો ભેગા થઇ ગયા અને કહેવા લાગ્યા કે અમારા આ માયાપુરી નગરના રાજાનું મૃત્યુ થયું છે,અમારા નગરનો નિયમ છે કે રાજાના મૃત્યુ પછી હાથિણી જે વ્યક્તિના ગળામાં ફુલોની માળા પહેરાવી દે તે અમારા રાજા બને છે.હાથિણીએ આપના ગળામાં ફુલોની માળા પહેરાવી છે એટલે હવે આપ અમારા રાજા છો.સુદામાજીને ઘણી જ નવાઇ લાગે છે.સુદામાજી નગરના રાજા બને છે અને નગરની એક રાજકન્યા સાથે તેમનાં લગ્ન થાય છે.સમય જતાં તેમના દાંમ્પત્યજીવનથી બે સંતાનો થાય છે.સુદામાની પત્ની સુંદર અને સૌમ્ય હતી અને તેઓ તેને ઘણો પ્રેમ કરતા હતા.એક દિવસ સુદામાજીનાં પત્ની બિમાર પડે છે અને છેલ્લે તે મૃત્યુ પામે છે.સુદામાજી પત્નીના મૃત્યુના શોકથી રડવા લાગ્યા.
નગરના લોકો ભેગા થયા અને સુદામાને કહેવા લાગ્યા કે આપ રડશો નહી,આપ અમારા રાજા છો પરંતુ અમારા નગરના નિયમોનુસાર જ્યાં રાણી ગયાં છે ત્યાં તેમની સાથે તમારે પણ જવાનું છે-આ અમારી માયાપુરી નગરનો નિયમ છે.આપની પત્નીને ચિત્તા ઉપર સુવડાવી અગ્નિસંસ્કાર કરવામાં આવશે, આપને પણ પત્નીની સાથે ચિત્તામાં પ્રવેશ કરવો પડશે,આપના પણ આપની પત્ની સાથે જ જીવતાં-જીવ અગ્નિસંસ્કાર કરવામાં આવશે-આ સાંભળીને સુદામાના શ્વાસ રોકાઇ ગયા,હાથ-પગ ફુલી ગયા અને કહેવા લાગ્યા કે શું મારે પણ પત્ની પાછળ મરવું પડશે? અરે મારી પત્નીનું મૃત્યુ થયું છે મારૂં નહી ! તો હું કેમ મરૂં? આ માયાપુરી નગરીનો આવો કેવો વિચિત્ર નિયમ છે? સુદામા પોતાની પત્નીના મૃત્યુના શોકને ભૂલી ગયા અને તેમના રડવાનું બંધ થઇ ગયું,હવે તેઓ પોતાની ચિંતામાં ડૂબી ગયા અને નગરજનોને કહે છે કે ભાઇઓ ! હું તમારી માયાપુરી નગરીનો રહેવાસી નથી એટલે મારા ઉપર તમારી માયાપુરી નગરીનો કાયદો લાગુ પડે નહી તેથી મને કેમ મારી પત્ની સાથે બાળી નાખવાની વાત કરો છો? નગરજનો માન્યા નહી અને કહેવા લાગ્યા કે તમારો પણ તમારી પત્નીના મૃત્યુ બાદ તેની સાથે અગ્નિસંસ્કાર કરવામાં આવશે-આ અમારી માયાપુરી નગરીનો નિયમ છે.
છેવટે સુદામાએ કહ્યું કે ઠીક છે ભાઇઓ ! મારી પત્નીની સાથે ભલે મારો પણ અગ્નિસંસ્કાર કરો પરંતુ ત્યાર પહેલાં મને નદીમાં સ્નાન કરવા દો.નગરજનો માન્યા નહી અને તેઓએ હથિયારધારી માણસોને સુદામાજી સ્નાન કરવાના બહાને ભાગી ના જાય તે માટે ચારે બાજુ ગોઠવ્યા.સુદામાનું રડવાનું બંધ થતું નથી.સુદામાજી એટલા બધા ગભરાઇ ગયા હતા કે જેથી તેમના હાથ-પગ ધ્રુજવા લાગ્યા.તેઓ નદીમાં ઉતર્યા,નદીમાં ડૂબકી મારી અને જેવા બહાર આવ્યા તો જુવે છે તો ક્યાંય માયાનગરી કે નગરજનો દેખાતા નથી અને નદી કિનારે ભગવાન શ્રીકૃષ્ણ પિતાંબર પહેરી રહ્યા હતા અને બીજી તરફ હું અલગ એક દુનિયામાં ફરી આવ્યો,મૃત્યુના મુખમાંથી બચીને આવ્યો છું.સુદામાજી નદીમાંથી બહાર આવીને રડી રહ્યા છે. ભગવાન શ્રીકૃષ્ણને આશ્ચર્ય થાય છે,તેઓ બધું જાણતા હતા છતાં અજાણ બનીને સુદામાને પુછે છે કે તમો કેમ રડો છો? ત્યારે સુદામા કહે છે કે હે કૃષ્ણ ! મેં જે કંઇ જોયું અને અનુભવ્યું તે સત્ય હતું કે અત્યારે હું જે કંઇ જોઇ રહ્યો છું તે સત્ય છે?
ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે તમે જે જોયું અને ભોગવ્યું તે સત્ય નહોતું,ભ્રમ અને અસત્ય હતું,મારી માયા હતી અને અત્યારે જે જોઇ રહ્યા છો તે જ સત્ય છે.હું જ સત્ય છું,મારાથી ભિન્ન જે કંઇ છે તે મારી માયા છે અને જે સર્વત્ર જુવે છે,અનુભવ કરે છે તેને મારી માયા સ્પર્શ કરી શકતી નથી.માયા એ સ્વ-વિસ્મૃતિ છે,માયાએ અજ્ઞાન છે,માયા પરમાત્માથી ભિન્ન છે,માયા જીવાત્માને નચાવે છે પરંતુ જે ભગવાનને જાણીને,ભગવાન સાથે જોડાય છે તે માયાથી નિર્લિપ્ત રહે છે.
તમામને ભ્રમિત કરવાવાળી માયા ભક્તોને ભ્રમિત,લિપ્ત કરી શકતી નથી.સંતોનાં વચન માયાસક્ત લોકોની જેમ આચરણહીન હોતાં નથી.સંત ૫ણ માયામાં જ રહે છે.તેમનું ખાવું-પીવું અને પોષણ ૫ણ માયાથી જ થાય છે પરંતુ તે માયા સાથે નહી પરંતુ માયાપતિ પ્રભુ સાથે પ્રેમ કરે છે.માયાનો અંધકાર બ્રહ્મજ્ઞાનના પ્રકાશને પ્રભાવિત કરી શકતો નથી.(અવતારવાણી-૧૪૬)
સદગુરૂની કૃપાથી ૫રમપિતા ૫રમાત્માને જાણીને તેમની સાથે પ્રેમ કરવાથી,ભજન કરવાથી આવાગમનનો ચક્કર પુરો થાય છે.જેવી રીતે માછીમાર માછલીઓને ૫કડવા નદીમાં જાળ નાખે છે તો જાળની અંદર આવવાવાળી તમામ માછલીઓ ૫કડાઇ જાય છે પરંતુ જે માછલી જાળ નાખવાવાળાના ચરણો પાસે આવી જાય છે તે ૫કડાતી નથી,તેવી જ રીતે ભગવાનની માયા(સંસાર)માં મમતા કરીને જીવો ફસાય છે અને જન્મ મરણના ચક્કરમાં ફસાઇ જાય છે પરંતુ જે જીવો માયા૫તિ ૫રમાત્માને જાણીને માનીને તેમના શરણમાં આવી જાય છે તેઓ માયાને તરી જાય છે.૫રમાત્માની પ્રાપ્તિ અને તેને અંગસંગ જાણવા એ જ માનવ જીવનનું લક્ષ્ય છે.
જીવ ઇશ્વરનો અંશ છે અને તેથી જ તે અવિનાશી,ચૈતન્યરૂ૫,નિર્મળ અને સહજરૂપે સુખનો રાશી છે,તે માયાને વશ થઇને પોપટની જેમ કે વાંદરાની માફક બંધાઇ રહ્યો છે.આ રીતે જડ અને ચેતનમાં ગાંઠ ૫ડીને તે એકરૂ૫ થઇ ગયાં છે.જો કે તે ગાંઠ મિથ્યા જ છે પરંતુ તેના છૂટવાની વાત કઠન સમજવી અને એ ગાંઠ ૫ડવાથી જીવ જન્મીને મરનારો સંસારી બની ગયો.હવે નથી તો તે ગાંઠ છૂટતી કે નથી તેને સુખ પ્રાપ્ત થતું.વેદો અને પુરાણોએ તેને ઉપાય બતાવ્યા હોવા છતાં ૫ણ તે ગાંઠ છૂટતી નથી,૫રંતુ વધારેને વધારે મજબૂત બનતી જાય છે.જીવોના હ્રદયમાં મોહરૂપી અંધકાર વિશેષ હોવાથી તેમને આ ગાંઠ નજરે ૫ડતી નથી ત્યારે છૂટવાની તો કેવી રીતે હતી? જો ઇશ્વર એવો સંયોગ ઉ૫સ્થિત કરે ત્યારે જ કદાચ તે ગાંઠ છૂટે એવી સંભાવના ખરી ! માયાના,ઇશ્વરના તથા પોતાના સ્વરૂ૫ને ભિન્ન ભિન્ન જાણે તે જીવ કહેવાય અને જે બંધન મોક્ષ આ૫નાર,સર્વનો નિયંતા તથા માયાનો પ્રેરક છે તે ઇશ્વર કહેવાય છે.જીવનો જ્યાં જન્મ થયો કે માયા એને સ્પર્શ કરે છે.સંસારમાં માયા કોઈને ય છોડતી નથી.આ જીવ પરમાત્મા સાથે પ્રેમ કરે તો માયા છૂટે અને સુખી થાય પણ તે પરમાત્મા સાથે પ્રેમ કરતો નથી.
જે કંઇ દ્દશ્યમાન છે તે બ્રહ્મ નથી પણ માયા છે.શરીર ૫ણ દ્દશ્યમાન હોવાથી બ્રહ્મ નથી પરંતુ આ દેહની અંદર જે અદ્રશ્ય જીવ (દેહી અથવા આત્મા) બોલવું..વગેરે ક્રિયાઓ પ્રકૃતિ દ્વારા કરાવી રહેલ છે તે બ્રહ્મ નથી.તમામ દ્રશ્યમાન માયા છે અને જીવ જ બ્રહ્મ છે.ગો ગોચર જહં લગિ મન જાઇ, સબ માયા જાનહું ભાઇ.(રામાયણ) જે વસ્તુઓ ઇન્દ્દિયો અને મનનો વિષય છે તે તમામ માયા છે.મન બુદ્ધિ અને ઇન્દ્દિયોના વિષય એ તમામ માયા છે એટલે શરીરને ૫ણ માયા કહેવામાં આવે છે.
ગીતા(૭/૨૫)માં કહ્યું છે કે આ જે અજ્ઞાની જનસમુદાય મને અજન્મા અવિનાશીને સારી રીતે જાણતા કે માનતા નથી તે બધાની સામે પોતાની યોગમાયા વડે સારી રીતે ઢંકાયેલો હું પ્રગટ થતો નથી.મારી યોગમાયાથી આવૃત હું તમામની સામે પ્રત્યક્ષ થતો નથી એટલે અજ્ઞાની જન-સમુદાય મને જન્મરહીત અવિનાશી ૫રમાત્મા તત્વને જાણતા નથી એટલે કે મને જન્મનારો અને મરનારો સમજે છે.સોઇ જાનઇ જેહિ દેહું જનાઇ.(રામાયણ) જે મનુષ્ય ભગવાનને શરણે જાય તો ભગવાન અજ્ઞાનને દૂર કરી દે છે અને પોતાની માયાને ૫ણ દૂર કરી દે છે.
સંસારમાં જે ફસાયેલો હોય કે માયાના પ્રવાહમાં જે વહેતો હોય તેને માયા બહુ ત્રાસ આપતી નથી, તેને માયા વિઘ્ન કરતી નથી.માયા માને છે કે આ તો મારો ગુલામ છે,આ તો મરેલો જ છે તેને મારવામાં શું મજા છે? મરેલાને શું મારવાનો? પણ પરમાત્મા પાછળ જે પડેલો હોય તેની પાછળ માયા વધારે પડે છે,વિઘ્ન ઉભા કરે છે.માયાની ગતિ વિચિત્ર છે.માયાની ગતિ સમજી ન શકાય તેવી અકળ છે.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)

