New Delhi, તા.2
ભારત અને મ્યાનમાર વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં મહત્વપૂર્ણ ગતિ જોવા મળી છે. મ્યાનમારના પ્રમુખ યુ મિન આંગ હ્લાઈંગની ભારત મુલાકાત દરમિયાન, તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સ્પષ્ટ ખાતરી આપી છે કે મ્યાનમારની ધરતીનો ઉપયોગ ભારતની સુરક્ષા હિતોની વિરુદ્ધ કોઈ પણ સંજોગોમાં થવા દેવામાં આવશે નહીં.
ભારત માટે મ્યાનમારમાં શાંતિ અને સ્થિરતા અત્યંત મહત્ત્વની છે. વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ જણાવ્યું હતું કે, ભારત માટે આ માત્ર પૂર્વોત્તર રાજ્યોની સુરક્ષાનો જ પ્રશ્ન નથી, પરંતુ દક્ષિણ-પૂર્વ એશિયા સાથે કનેક્ટિવિટી વધારવા માટે પણ મ્યાનમાર એક મહત્વની કડી છે. ભારત અને મ્યાનમાર વચ્ચે 1,643 કિમી લાંબી સરહદ છે, જેના પર સુરક્ષા જાળવવી એ ભારતની મુખ્ય પ્રાથમિકતા છે.
પૂર્વોત્તર ભારતના બળવાખોર જૂથો જે મ્યાનમારની સરહદ નજીક સક્રિય છે, તે અંગે ભારતે ચિંતા વ્યક્ત કરી હતી. મ્યાનમારે ખાતરી આપી છે કે આવા જૂથો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
ગત દોઢ વર્ષમાં 2,400થી વધુ ભારતીયોને સાયબર સ્કેમ કમ્પાઉન્ડમાંથી સુરક્ષિત રીતે પરત લાવવામાં આવ્યા છે. હજુ પણ 150 જેટલા ભારતીયો ત્યાં ફસાયેલા હોવાનું માનવામાં આવે છે, જેમને મુક્ત કરાવવા ભારત સરકાર મ્યાનમારના સંપર્કમાં છે.
કાલાદાન મલ્ટિમોડલ ટ્રાન્ઝિટ પ્રોજેક્ટ અને ભારત-મ્યાનમાર-થાઈલેન્ડ ટ્રાયલેટરલ હાઈવે પ્રોજેક્ટમાં સુરક્ષાની સ્થિતિને કારણે વિલંબ થયો છે. મ્યાનમાર સરકારે આ પ્રોજેક્ટ્સને ઝડપથી પૂર્ણ કરવા માટે સુરક્ષા પૂરી પાડવાની ખાતરી આપી છે.
પીએમ મોદીએ આંગ સાન સૂ કીના મુદ્દે પણ ચર્ચા કરી અને ભારપૂર્વક જણાવ્યું કે મ્યાનમારના મુદ્દાઓનો ઉકેલ ત્યાંના લોકો દ્વારા જ વાતચીત અને લોકતાંત્રિક રીતે લાવવો જોઈએ.

