Rajkot, તા.18
જામનગર રોડ અને મોરબી રોડથી રાજકોટના પ્રવેશદ્વાર એવા સાંઢીયા પુલને તોડીને તેની જગ્યાએ 74 કરોડના ખર્ચે ફોરલેન ઓવરબ્રીજ બનાવવાનું કામ લગભગ પુરૂ થઇ ગયું છે.
એક તરફ વહીવટી તંત્ર છેલ્લી અમુક કામગીરી બાકી હોવાનું કહે છે ત્યારે વાસ્તવમાં બીજી તરફ નવી ચૂંટાયેલી ભાજપની બોડીની હાજરીમાં સૌથી મોટા વર્તમાન પ્રોજેકટનું લોકાર્પણ થાય તેવી ગતિવિધિ ચાલતી હોય, હજુ નવો બ્રીજ ધમધમતો થવામાં કમ સે કમ અઠવાડિયું લાગે તેમ છે. આ બ્રીજ પર ટ્રકના લોડ ટેસ્ટીંગ પણ થઇ ગયા છે.
આ રોડ શરૂ થઇ જાય એટલે 150 ફુટ રોડ, કાલાવડ રોડ, રૈયા રોડ સહિતના રાજમાર્ગો પર એસ.ટી. બસ સહિતનું ટ્રાફિકનું મોટુ ભારણ હળવું થાય તેમ છે. ઉનાળામાં લોકોને રાહત મળે તેમ છે. ખરેખર તો ચૂંટણી બાદ આ બ્રીજનું ધામધુમથી ઉદઘાટન કરવા શાસકોનો વિચાર હતો. મુખ્યમંત્રીને આમંત્રણ આપવા પણ ચર્ચાઓ થવા લાગી છે. પરંતુ છેલ્લા થોડા દિવસોથી સરકાર દ્વારા શરૂ કરાયેલા કરકસરના પગલા, ઇંધણની બચત માટે કાર્યક્રમો અને પ્રવાસો ન કરવા સહિતની કરાતી જાહેરાતો વચ્ચે આ પુલનું લોકાર્પણ હવે સાદાઇથી થાય તેમ પણ માનવામાં આવે છે.
શહેરમાં લાંબા સમયથી રાહ જોવાતો સાંઢિયાપુલની જગ્યાએ બનતો ઓવરબ્રિજ હવે સંપૂર્ણ તૈયાર થઈ ગયો છે, જેના કારણે ટ્રાફિક સમસ્યામાંથી મોટી રાહત મળશે. 74 કરોડના ખર્ચે બનેલો આ ફોર લેન બ્રિજ શહેરના વાહન વ્યવહારને વધુ ઝડપી અને સરળ બનાવશે. બ્રિજ શરૂ થતાં દરરોજ એક લાખથી વધુ લોકોનો સમય અને ઈંધણ બચશે. હોસ્પિટલ ચોકથી જામનગર હાઇવેને જોડતો આ ફોર લેન ઓવરબ્રિજ હવે ટ્રાફિક સમસ્યાનો મોટો ઉકેલ સાબિત થશે. બ્રિજ શરૂ થતાં શહેરના લોકોને રોજિંદા ટ્રાફિક જામમાંથી મોટી રાહત મળશે તેવી આશા વ્યક્ત થઈ રહી છે.
આ રોડ શહેરનો સૌથી વ્યસ્ત માર્ગ માનવામાં આવે છે. દરરોજ હજારો વાહનો આ માર્ગ પરથી પસાર થાય છે, જેના કારણે સાંઢિયાપુલ વિસ્તારમાં સતત ટ્રાફિક જામ સર્જાતો હતો. ખાસ કરીને ઓફિસ સમય અને સાંજના સમયે વાહનચાલકોને લાંબા સમય સુધી રાહ જોવી પડતી હતી. હવે 74 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલો આ ઓવરબ્રિજ વાહન વ્યવહારને વધુ સરળ અને ઝડપી બનાવશે.
બ્રિજ તૈયાર થતાં લોકોનો કિંમતી સમય બચશે અને વાહનોમાં થતો ઇંધણનો વધારાનો ખર્ચ પણ ઘટશે. દરરોજ લગભગ એક લાખ વાહનચાલકોને આ બ્રિજનો સીધો લાભ મળશે. બ્રિજના કારણે શહેરની અંદર અને બહાર જતાં વાહનોને સરળ માર્ગ મળશે. હાલમાં બ્રિજનું કામ પૂર્ણ થઈ ગયું છે, પરંતુ હજુ લોકાર્પણની તારીખ ફાઇનલ થઇ નથી.
આ પુલ હેઠળ સર્વિસ રોડ પણ બનાવવામાં આવ્યા છે. દાયકાઓ જુનો પુલ જર્જરીત થતા તે તોડીને નવા પુલનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. અહીંથી એસ.ટી. સહિતના વાહનોનો ટ્રાફિક હવે વધુ સરળતાથી પસાર થશે તેમ માનવામાં આવે છે.
હોસ્પિટલ ચોકથી જામનગર રોડ તરફ જતો જુનો સાંઢીયા પુલ તોડી પડાતા તેની જગ્યાએ નવો બનાવાયેલો ફોરલેન બ્રીજ લગભગ તૈયાર થઇ ગયો છે. બ્રીજ ઉપર ટ્રાફિકના પટ્ટા અને નીચે પેઇન્ટીંગ પણ કરી લેવામાં આવ્યા છે. આ બ્રીજનું ઉદઘાટન હવે વહીવટી તંત્ર અને શાસકો ધારે ત્યારે કરી શકે તેવું આ દ્રશ્ય પરથી લાગે છે.

