Rajkot,તા.13
જસદણના ખેત મજુર સાથે ફેસબૂક મારફત ફ્રેન્ડશીપ કરી, લગ્નની લાલચ આપી, યુરો ડોલર, આઇફોન, સોનાનો ચેન વગેરે ગિફ્ટ મોકલ્યાનું કહીં તેનું પાર્સલ છોડાવવા માટે રૂા.૬.૩૧ લાખ પડાવી લેનાર આફ્રિકાની ગેંગના ત્રણ સભ્યોને રાજકોટ રૂરલ સાયબર ક્રાઇમ પોલીસના સ્ટાફે ઝડપી લીધા બાદ હવે મુખ્ય સુત્રધાર ફર્ડીનાન્ડ માઝી ઓનુ માદુઆબુચી (ઉ.વ.૪૭)ની ધરપકડ કરી છે.
મુળ નાઇઝીરીયાનો અને હાલ દિલ્હીના મહેરોલી વિસ્તારમાં રહેતો ફર્ડીનાન્ડ આ સમગ્ર કારસ્તાનમાં સ્ક્રીપ્ટ રાઇટર તરીકેની ભૂમિકા ભજવતો હતો. એટલું જ નહીં ફ્રોડની રકમ ઉપાડવા પણ જતો હતો. ૨૦૧૪માં મેડિકલ વિઝા પર ભારત આવ્યા બાદ હાલ ગેરકાયદે રીતે રહેતો હતો તેમ પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.
તેણે અન્ય બીજા કેટલા લોકો સાથે ફ્રોડ કર્યા છે તે અંગે હવે સાયબર ક્રાઇમ પોલીસ તપાસ કરી રહી છે. અગાઉ આ કારસ્તાનમાં આફ્રિકન યુવતી ઝડપાઇ હતી. તેનો આરોપી ફર્ડીનાન્ડ એક્સ બોયફ્રેન્ડ છે. બંને વચ્ચે ગત માર્ચ માસમાં બ્રેકઅપ થયું હતું. બંને વચ્ચે ઉમરમાં ખાસ્સો તફાવત હોવા છતાં રિલેશનમાં હતા.
ત્યારબાદ ટ્રસ્ટનો ઇશ્યુ ઉભો થતાં બ્રેકઅપ થયું હતું. જોકે આમ છતાં સાથે મળી ઠગાઇનું કારસ્તાન ચાલું રાખ્યું હતું. અગાઉ ઝડપાયેલા બે આરોપીઓને પણ તેમા સામેલ કર્યા હતા. સાયબર ક્રાઇમ પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આ ટોળકી મુખ્યત્વે ટીયર-૨ અને ટીયર-૩ના શહેરોમાં રહેતા લોકોને નિશાન બનાવતી હતી.
કારણકે આવા શહેરોમાં રહેતા લોકો ફેશનેબલ, ઓપન માઇન્ડેડ, બ્યુટીફુલ લોકોથી ઝડપથી આકર્ષાઇ જાય છે. આ વાત જાણતા હોવાથી આવા લોકોને જ નિશાન બનાવતા હતા. જેમાં મુખ્યત્વે સફળ પણ રહેતા હતા.

