મુસાફરોને મળશે વધુ સુરક્ષિત, આરામદાયક અને આધુનિક પ્રવાસનો અનુભવ
Rajkot તા.૮
રાજકોટ મુસાફરોને વધુ સુરક્ષિત, આરામદાયક અને આધુનિક મુસાફરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની દિશામાં રેલવે દ્વારા એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. રેલવે પ્રશાસને ઓખા-શાલીમાર તથા શાલીમાર-ઓખા એક્સપ્રેસ ટ્રેનોમાં પરંપરાગત આઈસીએફ રેકના સ્થાને આધુનિક એલએચબી ( લિંક હોફમેન બુશ) રેક લગાવવાનો નિર્ણય કર્યો છે. એલએચબી કોચ વધુ સુરક્ષા, ઓછા આંચકા તથા ઊંચી ઝડપે વધુ સ્થિરતા માટે જાણીતા છે, જેના કારણે મુસાફરોને વધુ સરળ અને આરામદાયક પ્રવાસનો અનુભવ મળશે.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, ટ્રેન નંબર ૨૨૯૦૫/૨૨૯૦૬ ઓખા-શાલીમાર એક્સપ્રેસ (સાપ્તાહિક) ઓખાથી ૨ ઓગસ્ટ, ૨૦૨૬થી તથા શાલીમારથી ૪ ઓગસ્ટ, ૨૦૨૬થી એલએચબી રેક સાથે ચલાવવામાં આવશે.
આ ટ્રેનમાં કુલ ૨૨ કોચ હશે, જેમાં ૧ ફર્સ્ટ એસી, ૨ સેકન્ડ એસી, ૬ થર્ડ એસી, ૬ સ્લીપર ક્લાસ, ૧ પેન્ટ્રી કાર, ૪ જનરલ કોચ, ૧ લગેજ વેન તથા ૧ જનરેટર વેનનો સમાવેશ થશે.

