New Delhi તા.22
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં ગત વર્ષે થયેલા ભયાનક આતંકવાદી હુમલાની આજે પ્રથમ વર્ષગાંઠ છે. 22 એપ્રિલ, 2025ના રોજ બૈસરન વેલીમાં થયેલા એ લોહીયાળ હુમલાની યાદમાં આજે સમગ્ર ખીણ શોકમગ્ન છે.
ત્યારે બીજી તરફ સુરક્ષા એજન્સીઓએ આખા પ્રદેશમાં ‘હાઈ એલર્ટ’ જાહેર કર્યું છે. સંભવિત આતંકવાદી કાવતરાને નિષ્ફળ બનાવવા માટે સેના અને પોલીસ દ્વારા દરેક નાકા પર સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.
પહલગામની તે દુર્ઘટના બાદ ભારતીય સેનાએ આતંકવાદી સંગઠનોના સફાયા માટે ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું હતું. આ ઓપરેશનના સફળ અમલીકરણને કારણે છેલ્લા એક વર્ષમાં આતંકવાદી ગતિવિધિઓ પર મોટો અંકુશ આવ્યો છે.
જોકે, ગુપ્તચર એજન્સીઓને ઈનપુટ મળ્યા છે કે આતંકવાદી સંગઠનો આ વરસી પર ફરી કોઈ મોટું કાવતં ઘડી રહ્યા છે, જેના પગલે સરહદી વિસ્તારો અને રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર સુરક્ષાનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
ખીણના મુખ્ય પ્રવાસન સ્થળો પર સુરક્ષા દળો દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. જેમાં ડ્રોન સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. ગીચ જંગલો અને પહાડી વિસ્તારોમાં શંકાસ્પદ હિલચાલ પર નજર રાખવા માટે અત્યાધુનિક ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
આ ઉપરાંત જમ્મુ-કાશ્મીર પોલીસ , એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ અને અર્ધલશ્કરી દળો સંયુક્ત રીતે સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહ્યા છે. તેમજ શ્રીનગર-જમ્મુ હાઈવે પર દરેક નાના-મોટા વાહનોનું ઝીણવટભર્યું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
બરાબર એક વર્ષ પહેલા, આતંકવાદીઓએ પહલગામમાં પ્રવાસીઓને નિશાન બનાવીને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ આતંકવાદી હુમલામાં 25 પ્રવાસીઓ સહિત કુલ 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ધર્મના આધારે પ્રવાસીઓને અલગ પાડીને કરવામાં આવેલા આ હુમલાએ સમગ્ર દેશમાં ભારે રોષ અને આક્રોશ જન્માવ્યો હતો.

