એક દિવસ એક રાજાએ પોતાની રાજસભાના રાજપંડિત કે જે ઘણા જ વિદ્વાન અને ધર્મશાસ્ત્રોના જ્ઞાતા હતા તેમને બોલાવ્યા અને તેમને કડક શબ્દોમાં આદેશ આપ્યો કે રાજા પરીક્ષિતે શુકદેવજીના મુખથી શ્રીમદ ભાગવત કથા સાંભળીને ફક્ત સાત દિવસમાં મોક્ષ પ્રાપ્ત કર્યો હતો. આપ મને પણ તેવી જ રીતે તમામ બંધનોમાંથી મુક્ત કરી એક મહિનામાં મારો મોક્ષ થાય તેવું કરો અને જો આપ તેમ નહી કરો તો હું તમારી તમામ સંપત્તિ જપ્ત કરીશ અને તમોને મૃત્યુદંડની સજા આપીશ.રાજાનો આવો આદેશ મળતાં રાજપંડિત ઘણા ચિંતામાં મુકાઇ ગયા અને ચિંતામાંને ચિંતામાં ભોજન લઇ શકતા નથી કે ઉંઘી પણ શકતા નથી,દિવસે દિવસે તેમનો તનાવ વધતો જાય છે.
એક દિવસ સંયોગથી રાજપંડિત સમગ્ર પરિવાર સાથે ભોજન કરવા બેઠા હતા ત્યારે તેમનો એક દિકરો કે જે ક્યારેક જ બધા સાથે ભેગો ભોજન લેતો હતો અને રાજપંડિતને પણ ક્યારેક જ મળતો હતો તે પોતાના પિતા તરફ જોઇને વિચારે છે કે મારા પિતા ઘણા ઉદાસ લાગે છે તેથી તેમની ઉદાસીનું કારણ પુછે છે પરંતુ પિતા કશું બોલતા નથી કેમકે રાજપંડિતને તેમના પ્રશ્નના જવાબની આ પૂત્ર પાસે અપેક્ષા નહોતી આમ હોવા છતાં તેમની પત્નીએ તેમની ઉદાસીનું કારણ પૂત્રને જણાવે છે.પિતાની ઉદાસીનું કારણ જાણીને તે બિલ્કુલ વિચલિત થતો નથી અને શાંતિથી પોતાના પિતાને કહે છે કે પિતાજી ! આપ ચિંતા ના કરશો અને કાલે રાજસભામાં જઇને કહેજો કે રાજા મને પોતાનો ગુરૂ બનાવે અને મારા આદેશ-ઉપદેશનું અક્ષરશઃ પાલન કરે.
રાજપુરોહિતે વિચાર્યું કે મારો દિકરો મને બચાવવા કોઇ તરકીબ વિચારતો હશે એટલે તેઓ પોતાના દિકરાને રાજા પાસે લઇ જાય છે અને રાજાને પોતાના પૂત્રના પ્રસ્તાવ વિશે જણાવે છે.રાજા માની જાય છે અને બીજા દિવસે રાજપુરોહિત પોતાના પૂત્રને રાજ દરબારમાં પોતાની સાથે લઇ જાય છે.તમામ પ્રકારના બંધનોથી મુક્ત થવા માટે રાજાએ રાજપુરોહિતના પૂત્રને પોતાના ગુરૂ તરીકે સ્વીકાર કર્યો અને તેમના તરફથી આપવામાં આવનાર આદેશ-ઉપદેશની પ્રતિક્ષા કરવા ગુરૂના શ્રીચરણોમાં બેસી ગયા.રાજદરબારમાં ઘણી ભીડ ભેગી થઇ હતી,તમામનું ધ્યાન રાજા અને તેમના ગુરૂ ઉપર ટકેલું હતુ.તે સમયે રાજપંડિતનો પૂત્ર એક મજબૂત દોરડું મંગાવવા રાજાને આદેશ કરે છે તે સાંભળીને સભાજનોને ઘણી નવાઇ લાગે છે.
રાજપંડિતને પણ પોતાના પૂત્રના આ કાર્યથી નવાઇ લાગે કે આ દિકરો શું મૂર્ખતા કરી રહ્યો છે,તે ડરી જાય છે અને વિચારે છે કે શું મારો દિકરો સભામાં કોઇને દોરડાથી બાંધી દેશે કે કદાચ રાજાને તો નહી બાંધી દે ને ! તે સમયે તેમના પૂત્રએ આજ્ઞા આપી કે આ દોરડાથી રાજાને આ થાંભલા સાથે બાંધી દો. રાજાએ વચન આપ્યું હતું એટલે તેઓ બંધાઇ જવા માટે સહમત થઇ જાય છે,ત્યારબાદ પૂત્રએ પોતાના પિતાને પણ બીજા થાંભલા સાથે બાંધી દેવા આદેશ આપ્યો એટલે રાજપુરોહિતને પણ થાંભલા સાથે બાંધી દેવામાં આવે છે.આ જોઇને રાજાપુરોહિત ઘણા જ ઉત્તેજીત થઇ જાય છે અને મનોમન પોતાના પૂત્રને સજા આપવાનું વિચારે છે તે જ સમયે તેમના પૂત્રએ પોતાના પિતાને આદેશ આપ્યો કે હવે પિતાજી આપ રાજાને બંધનમાંથી ખોલી દો.
રાજપંડિત ક્રોધિત થઇ જાય છે અને કહે છે કે અરે મૂર્ખ ! શું તને દેખાતું નથી કે હું પોતે બંધાયેલો છું. શું એક પોતે બંધાયેલો વ્યક્તિ બીજા મનુષ્યના બંધનને ખોલી શકે ખરો? તને ખબર નથી પડતી કે આ અસંભવ કાર્ય છે? રાજાએ પોતાના યુવાન ગુરૂને સંબોધિત કરતાં શાંત અને સન્માનજનક સ્વરમાં કહ્યું કે ગુરૂજી હું આપની વાતને સમજી ગયો છું.જે પોતે સાંસારિક બંધનોમાં બંધાયેલો છે,માયામાં બંધાયેલો છે તે અન્ય વ્યક્તિને મુક્ત કરી શકતો નથી.જે મનથી સંસારનો ત્યાગ કરીને માયાના સંસારથી પર થઇ ગયો છે,જેને સ્વતંત્રતા પ્રાપ્ત કરી લીધી છે તે જ બીજા મનુષ્યને મુક્ત કરી શકે છે,તે જ બીજાના બંધનોને તોડી શકે છે.
વિનોદભાઇ માછી નિરંકારી

