Virginia, તા.૩૦
Americaના વર્જિનિયામાં એક ભયાનક રોડ એકસીડન્ટ થયું છે. અહીં ઇન્ટરસ્ટેટ-૯૫ પર એક બેકાબૂ બસે ટ્રાફિક વર્ક ઝોનના કારણે ધીમી પડેલી ગાડીઓને જોરદાર ટક્કર મારી દીધી હતી. આ કાળજું કંપાવી દેનારા અકસ્માતમાં ૫ લોકોના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે ૩૪ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સ્થાનિક રાજ્ય પોલીસ દ્વારા શુક્રવારે આ અંગેની સત્તાવાર માહિતી આપવામાં આવી હતી.આ એકસીડન્ટ શુક્રવારે સવારે સ્ટેફોર્ડ કાઉન્ટીમાં સાઉથબાઉન્ડ ૈં-૯૫ હાઇવે પર થયું હતું.
પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, હાઇવે પર આગળ સમારકામ ચાલતું હોવાના લીધે વાહનોની સ્પીડ ધીમી પડી ગઈ હતી. આ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી એક બસનો ડ્રાઇવર આગળનો ટ્રાફિક જોઈને સમયસર બ્રેક મારી શક્યો ન હતો. જેના કારણે બેકાબૂ બસે આગળ જઈ રહેલી એક પછી એક એમ કુલ છ ગાડીઓને પાછળથી જોરદાર ટક્કર મારી દીધી હતી.
આ ટક્કર એટલી ભયાનક હતી કે બધી ગાડીઓનો કુરચો બોલી ગયો હતો.પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં જીવ ગુમાવનારા તમામ ૫ કમનસીબ લોકો બસની અડફેટે આવેલી ગાડીઓમાં સવાર હતા. અકસ્માતમાં ઘાયલ થયેલા ૩૪ લોકોમાંથી ત્રણની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. આ ભયાનક ટક્કર બાદ પણ બસ ડ્રાઇવરનો આબાદ બચાવ થયો છે. પોલીસે હાલ તેની અટકાયત કરી લીધી છે અને તેની સામે ગુનાહિત બેદરકારી બદલ કાયદેસરના આરોપો નક્કી કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.ઘટના બાદ તુરંત જ રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.
‘મેરી વોશિંગ્ટન હેલ્થકેર’ હોસ્પિટલમાં ૧૯ ઘાયલોને દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી સાત લોકોને ગંભીર હાલતમાં ટ્રોમા સેન્ટરમાં ખસેડાયા હતા. હાલમાં ત્રણ લોકો હજુ પણ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે, જ્યારે બાકીના સામાન્ય ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે.આ અકસ્માતની ગંભીરતાને જોતા નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ દ્વારા પણ તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને તેમની એક વિશેષ ટીમ ઘટનાસ્થળે તપાસ માટે રવાના કરાઈ છે. અકસ્માત બાદ બંધ કરાયેલી હાઇવેની સાઉથબાઉન્ડ લેન બપોર સુધીમાં ફરી ખોલી દેવામાં આવી હતી, પરંતુ હજુ પણ ત્યાં ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી રહી છે.

