New Delhi,તા.15
પેરિસ ઓલિમ્પિકમાં જીતેલી ભારતની સ્ટાર શૂટર મનુ ભાકરનું બ્રોન્ઝ મેડલ માત્ર છ મહિનામાં જ બગડવા લાગ્યું છે અને બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતાને આશા છે કે તેનાં મેડલને બદલી આપવામાં આવશે.
મનુ એવાં ખેલાડીઓના મોટાં જૂથમાં સામેલ છે જેમણે ફરિયાદ કરી છે કે તેમનાં મેડલ બગાડવા લાગ્યાં છે. ગયાં વર્ષે જુલાઈ-ઓગસ્ટમાં પેરિસ ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મનુએ અલગ-અલગ કેટેગરીમાં બે બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.
ઘણાં ખેલાડીઓએ ફરિયાદ કરી
તાજેતરનાં દિવસોમાં, વિશ્વભરનાં ઘણાં એથ્લેટ્સે સોશિયલ મીડિયા પર મેડલની તસવીરો પોસ્ટ કરી હતી. એવું બહાર આવ્યું છે કે મનુના મેડલનો રંગ પણ ઊડી ગયો છે અને તે ખરાબ હાલતમાં છે.
ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીએ કહ્યું કે ક્ષતિગ્રસ્ત મેડલને મોનાઇ ડી પેરિસ દ્વારા વ્યવસ્થિત રીતે બદલી આપવામાં આવશે. ખેલાડીઓને મળેલો નવો મેડલ જૂના જેવો જ હશે. દરેક ઓલિમ્પિક મેડલની મધ્યમાં લોખંડનાં ટુકડાઓનું વજન 18 ગ્રામ હોય છે.
મોનાઇ ડી પેરિસ ફ્રાન્સ માટે સિક્કા અને અન્ય ચલણનું ઉત્પાદન કરે છે. પેરિસ ઓલિમ્પિકની આયોજક સમિતિ તમામ ક્ષતિગ્રસ્ત મેડલને બદલવા માટે મોનાઇ ડી પેરિસ સાથે કામ કરી રહી છે. પેરિસ ઓલિમ્પિક્સ અને પેરાલિમ્પિક્સ 2024 માં આપવામાં આવેલાં મેડલ્સમાં આઇકોનિક એફિલ ટાવરના ટુકડાનો સમાવેશ થાય છે.
પેરિસ 2024 માટે 5084 ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ હાઇ-એન્ડ જ્વેલરી અને ઘડિયાળ નિર્માતા ચૌમેટ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યાં હતાં અને મોનાઇ ડી પેરિસ દ્વારા ઉત્પાદિત કરવામાં આવ્યાં હતાં.

