New Delhi, તા. 28
દેશમાં ટૂંક સમયમાં જ પ્લાસ્ટિકની નોટો ચાલશે. તેની શરૂઆત 10 અને 20 રૂપિયાની નોટોથી થશે. આરબીઆઈ પોલીમર કરન્સી નોટો માટે ગ્લોબલ ટેન્ડર પણ બહાર પાડી ચૂક્યું છે.
હવે લોકસભામાં કેન્દ્ર સરકારે જણાવ્યું કે 10 રૂપિયા અને 20 રૂપિયાની પોલીમર કરન્સી નોટોના ફીલ્ડ ટ્રાયલ માટે આરબીઆઈના પ્રસ્તાવને નાણાં મંત્રાલયે મંજૂરી આપી દીધી છે. નાણાં રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં એક લેખિત જવાબમાં આ માહિતી આપી હતી.
પહેલાં 100-100 કરોડ નોટો છાપવામાં આવશે
પાયલટ પ્રોજેક્ટ હેઠળ 10 અને 20 રૂપિયાની 200 કરોડ નોટો છાપવામાં આવશે. સરકારે સંસદમાં જણાવ્યું કે ારબીઆઈ ફીલ્ડ ટ્રાયલ હેઠળ 10 રૂપિયા અને 20 રૂપિયાની એક-એક અબજ એટલે કે 100-100 કરોડ પોલીમર નોટો બહાર પાડશે.
આ નોટોને ટ્રાયલના આધારે બજારમાં ઉતારવામાં આવશે જેથી મૂલ્યાંકન કરી શકાય કે ભારતીય વાતાવરણમાં વ્યવહારિક રીતે આ કેટલી સ્વીકાર્ય અને ઉપયોગી છે. જો આ ટ્રાયલ સફળ રહેશે, તો મોટા પાયે પોલીમર નોટો બહાર પાડવા પર વિચાર કરવામાં આવશે.
10-20 રૂપિયાની જ પોલીમર નોટ શા માટે?
આરબીઆઈનું કહેવું છે કે ઓછી કિંમતની એટલે કે 10-20 રૂપિયાની નોટો ઝડપથી ખરાબ થઈ જાય છે, જેના કારણે તેને વારંવાર છાપવી અને નષ્ટ કરવી પડે છે. પોલીમર નોટ આ સમસ્યાને ઓછી કરી શકે છે અને લાંબા ગાળે નોટોના પ્રિન્ટિંગ અને રિપ્લેસમેન્ટ પર થતો ખર્ચ પણ ઘટાડી શકે છે.
આ ઉપરાંત, પોલીમર નોટોમાં પારદર્શક `સી-થ્રુ’ વિન્ડો અને વિશેષ સિક્યોરિટી થે્રડ જેવા અદ્યતન સુરક્ષા ફીચર્સ સામેલ કરી શકાય છે, જેનાથી નકલી નોટો પર રોક લગાવવામાં મદદ મળશે.
આરબીઆઈએ જણાવ્યું કે પોલીમર નોટ પરંપરાગત કાગળની નોટોની સરખામણીમાં વધુ ટકાઉ હોય છે. આંતરરાષ્ટ્રીય અનુભવના આધારે આરબીઆઈનું માનવું છે કે તેનું આયુષ્ય વધુ હોય છે, જેથી વધુ રોકડ વ્યવહાર ધરાવતાં દેશો માટે આ એક ઉત્તમ વિકલ્પ સાબિત થઈ શકે છે.
શું કાગળની નોટો બંધ થઈ જશે?
સરકારે સ્પષ્ટ કર્યું છે કે પોલીમર નોટો લાવવાનાં નિર્ણયનો અર્થ કાગળની નોટો બંધ કરવાનો નથી. પોલીમર નોટો હાલની કાગળની નોટોની સાથે જ ચલણમાં રહેશે અને હાલમાં કાગળ આધારિત બેંક નોટોને પૂરેપૂરી પોલીમર નોટોથી બદલવાનો કોઈ પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી.
ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ જેમ કે UPI, ડેબિટ કાર્ડ, ઓનલાઈન ટ્રાન્સફર પર પડનારા સંભવિત પ્રભાવ અંગે આરબીઆઈએ કહ્યું છે કે અત્યારે આ અંગે કોઈ નિષ્કર્ષ કાઢવો ઉતાવળ ગણાશે.
પોલીમર નોટ નિયમિત રીતે ચલણમાં આવ્યા પછી જ તેનું આંકલન કરી શકાશે. બેંકનું માનવું છે કે કેશ કરન્સી અને ડિજિટલ પેમેન્ટ બંને એકબીજાના પૂરક છે અને ભવિષ્યમાં પણ બંને માધ્યમો સાથે-સાથે ચાલતાં રહેશે.

