Gandhinagar,તા.4
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે વિશ્વ પર્યાવરણ દિવસના રોજ ગુજરાતમાં સુરતની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ દક્ષિણ ગુજરાત વિસ્તારને 12,421 કરોડના રાષ્ટ્રીય ધોરીમાર્ગના પ્રકલ્પોની ભેટ આપશે.
તેમના હસ્તે વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેના બે પેકેજનું લોકાર્પણ કરવામાં આવશે તેમજ અન્ય ચાર મહત્વપૂર્ણ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. રાષ્ટ્રીય ધોરીમાર્ગના આ પ્રકલ્પોથી દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં કનેક્ટિવિટીમાં વધારો થશે તેમજ સ્થાનિક આર્થિક વિકાસને પણ વેગ મળશે.
વડાપ્રધાનના હસ્તે વડોદરા મુંબઈ એક્સપ્રેસવે પર 36 કિલોમીટર લાંબા કીમ-એના સેક્શન (પેકેજ VI) અને 27.50 કિલોમીટર લંબાઇના ગણદેવાથી એના સેક્શન (પેકેજ VII)નું લોકાર્પણ કરવામાં આવશે. 7689 કરોડના ખર્ચે આ બન્ને પેકેજનું નિર્માણ કરવામાં આવ્યું છે.
આ બન્ને પેકેજમાં મેજર બ્રિજ, માઇનર બ્રિજ, રેલ રોડ બ્રિજ, ફ્લાયઓવર્સ અને વ્હિલકલ અંડરપાસનું વ્યાપક નેટવર્ક તૈયાર કરવામાં આવ્યું છે. સ્થાનિકોની સગવડતા માટે બન્ને પેકેજમાં કુલ 70 અંડરપાસ અને બે ઇન્ટરચેન્જનું નિર્માણ કરવામાં આવ્યું છે.
8 લેનના માર્ગની શરૂઆત થવાથી આ વિસ્તારમાં કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે અને ઝડપી પરિવહન શક્ય બનશે. ડ્રાઇવરોની સુરક્ષા અને સગવડમાં વધારો કરવા માટે આ બન્ને પેકેજ પર કુલ સાત સુવિધાસભર રેસ્ટ એરિયા બનાવવામાં આવશે.
આ ઉપરાંત, 4732 કરોડના ખર્ચે NHAIના અન્ય 4 પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે, જેમાં NH-56 (પેકેજ 4) ના ધમાસીયાથી બિટાડા / મોવીનું ફોર લેનિંગ, NH-56 (પેકેજ 6) ના નસરપોરથી મલોથાનું ફોર લેનિંગ, સુરત હજીરા નેશનલ હાઇવે (NH-53) પર 6 લેન VUP એટલે કે વ્હીકલ અંડરપાસ (રિલાયન્સ) અને VUP કમ ફ્લાયઓવર (કાવાસ)નો સમાવેશ થાય છે.
ગુજરાતમાં NH-56ના અપગે્રડેશન હેઠળ ધમાસીયા–બિટાડા અને નસારપોર–મલોથા સેક્શનને ફોર-લેન બનાવવાથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી તેમજ આ વિસ્તારના આદિજાતિ જિલ્લાઓ (નર્મદા, તાપી, વલસાડ, છોટા ઉદેપુર) સુધી કનેક્ટિવિટીમાં વધારો થશે.
107.67 કિલોમીટરની કુલ લંબાઈના આ ફોર લેન માર્ગના નિર્માણથી મુસાફરીના સમયમાં 40 મિનિટ સુધી ઘટાડો થશે અને સરેરાશ ગતિમાં 75 ટકાનો વધારો જોવા મળશે. આ ફોર લેન ફાર્મા, મેડિકલ ક્લસ્ટર તેમજ ફિશીંગ સી-ફુડ ક્લસ્ટર, આ વિસ્તારના આદિજાતિ જિલ્લાઓ અને લૉજિસ્ટિક્સ નોડ્સ (એક એરપોર્ટ, 02 રેલવે સ્ટેશન અને 02 બંદરો) ને જોડશે.

