મહિલાઓના તીનપત્તીના જુગારના અખાડા સહિત બે સ્થળોએ કાર્યવાહી; રૂ. ૭૩,૮૬૦ની રોકડ અને ગંજીપત્તાના પાના કબજે
(નયના દવે દ્વારા)
Jamnagar તા.૩
Jamnagar શહેર અને લાલપુર તાલુકામાં પોલીસે જુગારની પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરતાં બે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી કુલ ૧૨ જુગારીઓને ઝડપી પાડ્યા છે. શહેરના ગોકુલનગર વિસ્તારમાં મહિલાઓ દ્વારા ચાલતા તીનપત્તીના જુગારના અખાડા તેમજ લાલપુર તાલુકાના ગલ્લા ગામે જાહેરમાં રમાતા જુગાર પર દરોડા દરમિયાન કુલ રૂ. ૭૩,૮૬૦ની રોકડ અને ગંજીપત્તાના પાના કબજે કરી જુગારધારા હેઠળ ગુનાઓ નોંધવામાં આવ્યા છે.
શહેરના ગોકુલનગર વિસ્તારના સોહમનગર સોસાયટીમાં આવેલા રહેણાંક મકાનમાં મહિલાઓ દ્વારા તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સીટી સી ડિવિઝન પોલીસે નાયબ પોલીસ અધિક્ષકના વિશેષ વોરંટ હેઠળ દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન કાજલબેન રાજુભાઈ કેસરીયા મકવાણા પોતાના મકાનમાં જુગાર રમાડતી મળી આવી હતી. તેની સાથે દીવાળીબેન વિજયભાઈ બાંભણિયા, દીનુબેન ઉર્ફે ટીનુ ભરતભાઈ મકવાણા, કાંતાબેન ટીનાભાઈ કુનતીયા અને ઇલાબા મહિપતસિંહ જાડેજાને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી રૂ. ૬૩,૨૦૦ની રોકડ, ગંજીપત્તાના બાવન પાના તથા મકાનનો વીજબીલ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બીજી તરફ લાલપુર તાલુકાના ગલ્લા ગામના ચોરા પાસે સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે લાલપુર પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં મુકેશભાઈ બાબુભાઈ પરમાર, દીવ્યરાજસિંહ ઇન્દ્રસિંહ જાડેજા, યુગવીજસિંહ ઉર્ફે દીગુભા બાબુભા જાડેજા, દીવ્યરાજસિંહ પ્રવીણસિંહ જાડેજા, રાહુલસિંહ પ્રદીપસિંહ વાઘેલા, મયુરસિંહ પ્રવીણસિંહ જાડેજા તથા સ્વીરાજસિંહ અશોકસિંહ જાડેજાને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે તેમની પાસેથી રૂ. ૧૦,૬૬૦ની રોકડ તથા ગંજીપત્તાના બાવન પાના કબજે કરી જુગારધારા કલમ ૧૨ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

