Surat,તા.૯
શહેરમાં પ્રતિબંધિત ડ્રગ્સની ગેરકાયદે નિકાસ કરતા એક મોટા આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ થયો છે. ગુજરાત એટીએસ દ્વારા ડીડબ્લ્યુએન બાયોસાયન્સ કંપનીના માલિક નિકુંજભાઈ હરેશભાઈ ગઢીયાની ધરપકડ બાદ તપાસ આગળ વધારતાં વધુ બે મહત્વના આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે સુરત અને વિદેશી નાર્કો નેટવર્ક વચ્ચેના જોડાણો સામે આવતા ચકચાર મચી ગઈ છે.
એટીએસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન રુદ્ર એન્ટરપ્રાઈઝના માલિક ચેતનભાઈ કનુભાઈ વાવડીયા અને જાની ફાર્માના માલિક ભૌતિક દામજીભાઈ પદમણીની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં સામે આવ્યું છે કે ત્રણેય મળીને પ્રતિબંધિત એનાલજેસિક ડ્રગ ’એટોમિડેટ’ને એલોવેરા પાવડરના નામે મલેશિયા અને થાઈલેન્ડમાં ગેરકાયદે રીતે મોકલતા હતા. ખોટા દસ્તાવેજો દ્વારા નિકાસ કરવામાં આવેલી આ દવાઓથી કસ્ટમ વિભાગને ચકમો આપવામાં આવી રહ્યો હતો.
એટીએસના જણાવ્યા મુજબ આ ડ્રગ્સ મલેશિયા અને થાઈલેન્ડમાં પહોંચાડવામાં આવતી હતી, જ્યાં નાર્કો કાર્ટેલ્સના સભ્યો સાથે તેનો વેપાર થતો હતો. તપાસમાં જોવા મળ્યું છે કે આરોપીઓ મલેશિયાના નાર્કો કાર્ટેલના સભ્ય સાથે સંપર્કમાં હતા.એટીએસએ આ વ્યક્તિને ટાર્ગેટ બનાવી તપાસ આગળ ધપાવી છે. આ ગેરકાયદે પ્રવૃત્તિ દ્વારા દવાઓને હર્બલ અથવા અન્ય પાવડરના નામે નિકાસ કરવામાં આવી હતી.
ધરપકડ કરાયેલા બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટએ એટીએસની માંગણી સ્વીકારી આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, જેથી વધુ વિગતો મેળવી શકાય.એટીએસની આ કાર્યવાહીથી સુરતમાંથી ચલાવવામાં આવતા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નિકાસના ગેરકાયદે રેકેટને મોટો ઝટકો લાગ્યો છે. આ કેસમાં હજુ વધુ ખુલાસા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

