Surat,તા.૨૧
સુરતમાં કરોડોની નકલી નોટોના રેકેટનો પર્દાફાશ થયા બાદ સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. આ મામલે ગુજરાતના રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ અત્યંત આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપી છે. મંત્રીએ નકલી નોટનો કાળો કારોબાર કરનારા તત્ત્વોને સીધા ‘દેશદ્રોહી’ ગણાવ્યા છે અને સ્પષ્ટ કર્યું છે કે આવી રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં.
મંત્રી પ્રફુલ પાનસેરિયાએ સુરત પોલીસની સરાહના કરતા જણાવ્યું હતું કે, પોલીસે જે રીતે આ આખા રેકેટનો પર્દાફાશ કર્યો છે તે ખરેખર કાબિલે દાદ છે. નકલી નોટોનું નેટવર્ક દેશના અર્થતંત્રને ખોખલું કરવાનું ષડયંત્ર છે અને તેને જડમૂળથી ઉખેડી નાખવા માટે સરકાર કટિબદ્ધ છે.
આ કેસમાં યોગગુરુ કે ધાર્મિક સંસ્થાઓના નામે ચાલતી શંકાસ્પદ પ્રવૃત્તિઓ અંગે પણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ મહત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, આસ્થા, ધર્મ કે યોગના નામે ગેરકાયદે પ્રવૃત્તિ કરનારાઓ સામે કાયદાનો સકંજો વધુ કડક કરવામાં આવશે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે ગણતરીના પાપીઓને કારણે આપણા સારા સંતો અને સાચા યોગગુરુઓને બદનામ ન કરવા જોઈએ, પરંતુ ધર્મની આડમાં પાપ કરનારાઓને કોઈપણ સંજોગોમાં બક્ષવામાં નહીં આવે.
મંત્રીએ ચીમકી ઉચ્ચારી છે કે નકલી નોટો છાપવી એ માત્ર ગુનો નથી પણ રાષ્ટ્ર સામેનું યુદ્ધ છે. આ કેસના મૂળ સુધી પહોંચવા અને તમામ સંડોવાયેલા લોકો સામે કડક કાયદાકીય પગલાં ભરવા માટે તપાસ એજન્સીઓને સંપૂર્ણ છૂટ આપવામાં આવી છે.

