Surat,તા.૪
શહેરમાં સાયબર ગુનાઓ સામે મોટી સફળતા પ્રાપ્ત કરતાં સાયબર ક્રાઇમ સેલે આંતરરાષ્ટ્રીય ગેંગનો પર્દાફાશ કર્યો છે. બેંક એકાઉન્ટોને “મ્યુલ એકાઉન્ટ” તરીકે ઉપયોગ કરી દેશભરમાં કરોડો રૂપિયાના સાયબર ફ્રોડને અંજામ આપતી આ ગેંગના નેટવર્કને સુરત સાયબર ક્રાઈમ ડીસીપી બિશાખા જૈન તથા તેમની ટીમે માત્ર એક બાતમીના આધારે પકડી પાડ્યું છે. સાથે જ આ પોલીસે કુલ ૧૮.૮૭ લાખનો મુદ્દામાલ કબજે કરી ત્રણ શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સમગ્ર મામલે માહિતી આપતા ડીસીપી બિશાખા જૈને જણાવ્યું કે, ઓપરેશન મ્યુલની કામગીરી હેઠળ અમને એક ગેંગ અંગેની બાતમી મળી હતી. આ ગેંગના સભ્યો મહારાષ્ટ્રમાં અલગ અલગ બેંકોથી ખાતાઓ મેળવી અને અહિયાં સુરતમાં અલગ અલગ જગ્યાએ પૈસા ઉપાડવાનું કામ કરતા હતા. આ બાતમીને આધારે અમે બે દિવસ અગાઉ રેડ પાડી ભાવેશ શિંદે નામના શખ્સની ધરપકડ કરી હતી.
સાયબર ક્રાઇમ સેલે રેડ દરમિયાન આરોપી ભાવેશ શિંદે પાસેથી મોટી સંખ્યામાં સામગ્રી જપ્ત કરવામાં આવી હતી, જેમાં રેડમાં ૧૬ ડેબિટ કાર્ડ, ૪૦ સિમકાર્ડ, ૯ મોબાઇલ ફોન, ૨૪ પાસબુક, ૯ ચેકબુક, રોકડ રકમ અને રૂપિયા ગણવાનું મશીન ટીવીએસ જયુપીટર સ્કૂટર સહિત કુલ મળી અંદાજે ૧૮.૮૭ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.
જે મામલે પકડાયેલા આરોપી ભાવેશ શિંદેની પૂછપરછ કરતા ખુલ્યું કે ભાવેશ શિંદે અને તેના સાગરીતોએ સામાન્ય લોકોને કમિશનની લાલચ આપી તેમના નામે બેંક એકાઉન્ટ ખોલાવ્યા હતા. આ એકાઉન્ટ સાથે જોડાયેલા સિમકાર્ડ, ડેબિટ કાર્ડ અને નેટ બેંકિંગ સુવિધાનો ઉપયોગ કરી દેશભરના સાયબર ઠગો સુધી પહોંચાડવામાં આવતા હતા. ખાસ કરીને દુબઈ સહિતના આંતરરાષ્ટ્રીય નેટવર્ક સાથે સંકળાયેલા આ ગેંગ દ્વારા ફ્રોડની રકમ અલગ અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી એટીએમ મારફતે કાઢવામાં આવતી હતી.
પોલીસ તપાસમાં, આ આંતરરાષ્ટ્રીય મ્યુલ એકાઉન્ટ કૌભાંડમાં કુલ ૭૩ બેંક એકાઉન્ટ મળી આવ્યા હતા, જેમાં બેંક ઓફ મહારાષ્ટ્રના ૨૭, બેંક ઓફ બરોડા – ૭, બેંક ઓફ ઇન્ડિયા – ૭ તથા અન્ય બધા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, યુનિયન બેંક,એચડીએફસી એકસસિસ વગેરે બેંકોના એકાઉન્ટનો સમાવેશ થાય છે. આ એકાઉન્ટો સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાતા હોવાનું બહાર આવ્યું છે.
નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર તપાસ કરતા આ ગેંગના એકાઉન્ટો સામે દેશના વિવિધ રાજ્યોમાં કુલ ૫૬ ફરિયાદો નોંધાઈ છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાત, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં આ ગેંગ સક્રિય હતી. કુલ મળીને આશરે ૪૭.૪૪ કરોડથી વધુની ઠગાઈ થયાનું સામે આવ્યું છે.
હાલ આ મામલે પોલીસે મુખ્ય આરોપી ભાવેશ શિંદેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે, જ્યાંથી પોલીસે ૩ દિવસનો રિમાન્ડ મેળવ્યો છે. સાથે જ આ કેસમાં ફરાર તેના અન્ય સાગરીતો હરીશ ચૌધરી અને ઋષિકેશ ચૌધરીની શોધખોળ શરૂ કરી છે, સાથે જ આ કેસમાં સાયબર ક્રાઇમ સેલ આંતરરાજ્ય તેમજ આંતરરાષ્ટ્રીય કડીઓ પણ તપાસી રહી છે, જેથી આગામી સમયમાં આ કેસ સાથે જોડાયેલી અન્ય વિગતો ટૂંક સમયમાં સામે આવશે.

