Surat, તા.૩૦
Surat ના પાલોદ નજીકના એક ગામમાં માનવતા અને સંબંધોને શરમાવે તેવી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં એક નરાધમ સાવકા પિતાએ પોતાની જ ૧૫ વર્ષની સગીર પુત્રીને છેલ્લા ત્રણ મહિનાથી હવસનો શિકાર બનાવી વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. સગીરાને જાનથી મારી નાખવાની ધમકીઓ આપીને તે તેની મરજી વિરુદ્ધ સતત અત્યાચાર કરતો હતો, પરંતુ આખરે પાપી પિતાની કરતૂતો સામે આવતા પોલીસે તેની પોક્સો એક્ટ હેઠળ ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ અન્ય રાજ્યની વતની અને શ્રમિક કામ કરતી એક મહિલા છેલ્લા છ વર્ષથી પાલોદ નજીકના એક ગામમાં પરિવાર સાથે સ્થાયી થઈ છે. આ મહિલાએ બીજા લગ્ન કર્યા હતા, જેનાથી તેને એક પુત્રી અને બે પુત્રો છે. આ પરિવાર સાથે મહિલાની પ્રથમ પરણેતર (અગાઉના પતિ)થી જન્મેલી ૧૫ વર્ષની સગીર પુત્રી પણ સાથે જ રહેતી હતી. ઘરમાં જ રહેતા સાવકા પિતાની નજર આ માસૂમ કિશોરી પર બગડી હતી. ઘરમાં કોઈ ન હતું તે તકનો લાભ ઉઠાવીને નરાધમ પિતાએ પહેલીવાર સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું.
ત્યારપછી આ સિલસિલો શરૂ થઈ ગયો હતો અને છેલ્લા ત્રણ મહિનાથી તે કિશોરીને ધાક-ધમકી આપી, મોઢું બંધ રાખવા મજબૂર કરીને વારંવાર તેની મરજી વિરુદ્ધ અત્યાચાર ગુજારતો રહ્યો હતો.પાલોદ પોલીસ મથકના પી.આઈ. એસ. જે. ભાટિયાએ કહ્યું હતું કે, આ ઘટનાનો પર્દાફાશ ગત ૨૫મી મેના રોજ થયો હતો, જ્યારે બપોરના સમયે સગીરાની માતા રૂમની બહાર બેઠી હતી. આ દરમિયાન નરાધમ સાવકા પિતાએ સગીર પુત્રીને ઓરડામાં એકલી જોઈને ફરી એકવાર તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. આ રોજિંદા શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળી ગયેલી અને હિંમત ભેગી કરીને સગીરાએ રડતા-રડતા આખી આપવીતી પોતાની માતાને કહી સંભળાવી હતી. દીકરીના શબ્દો સાંભળી માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તેણે સહેજ પણ મોડું કર્યા વિના તાત્કાલિક પાલોદ પોલીસ ચોકીનો સંપર્ક કરી નરાધમ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઘટનાની ગંભીરતા સમજીને તુરંત જ પોક્સો એક્ટ તથા ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો અને ગણતરીના કલાકોમાં જ આરોપી સાવકા પિતાને ઝડપી પાડી જેલ હવાલે કર્યો હતો.

