બે બસ વેચી આર.સી.બુકમાં નામ હોવાનો લાભ લઈ હાઈકોર્ટમાં હકીકત છુપાવી એક બસનો કબજો મેળવ્યો, બીજી બસ ડુપ્લિકેટ ચાવીથી ઉઠાવી ગયાનો આક્ષેપ
Rajkot તા.૨૩ઃ
વાહન વેચાણના નામે આચરવામાં આવેલી છેતરપિંડીના કેસમાં પોલીસ ધરપકડની દહેશતથી આરોપી એ કરેલી આગોતરા જામીન અરજી કોર્ટે નામંજૂર કરતો હુકમ કર્યો છે.આ કેસની હકીકત મુજબ શહેરમાં રહેતા આશિષભાઈ પ્રતાપભાઈ ધાંધલે આસિફ મામદાણી પાસેથી નોટરી વેચાણથી બે બસો ખરીદી અવેજની રકમ ચૂકવી બસોનો કબજો લઇ લીધો હતો. તે પૈકીની એક બસ સુરતના પલસાણા પોલીસ સ્ટેશનમાં દારૂના ગુનામા કબજે લેવાતા આસિફ મામદાણીએ આર.સી. બુકમાં પોતાનું નામ ચાલુ હોવાનો ગેરફાયદો ઉઠાવી હાઈકોર્ટમાં બસ વેચાઈ ગઈ હોવાની વાત છુપાવીને બસનો કબ્જો પોતાના નામે મેળવી લીધો હતો. આટલું જ નહીં, આશિષભાઈ ધાંધલની ઓફિસ બહાર પાર્ક કરેલી બીજી બસમાંથી જીપીએસ સિસ્ટમ કાઢી નાખી પોતાની પાસે રહેલી ડુપ્લીકેટ ચાવી વડે બસનો ગેરકાયદે કબ્જો મેળવી ગુનો આચર્યો હોવાની આશિષભાઈ ધાંધલે પોલીસ કમિશનરને લેખિતમાં અરજી આપી હતી. જેની તપાસ માલવિયાનગર પોલીસને સોંપવામાં આવતા આસિફ મામદાણીએ
પોલીસ ધરપકડથી બચવા અદાલતમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી.જે આગોતરા જામીન અરજી ચાલવા પર આવતાં મૂળ ફરિયાદી પક્ષે સરકારશ્રી સાથે રહીને કેસને અનુરૂપ કાયદાકીય જોગવાઈઓ, કેસની ગંભીરતા તેમજ લેખિત વાંધાઓ અદાલત સમક્ષ રજૂ કર્યા હતા. ફરિયાદીના વકીલ દ્વારા હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓ ટાંકીને ધારદાર દલીલો કરવામાં આવી હતી. અદાલતે તમામ હકીકતો, દલીલો અને રજૂ કરાયેલા ચુકાદાઓને ધ્યાને રાખીને આરોપીની આગોતરા જામીન અરજી રદ કરવા હુકમ કર્યો હતો. આ કેસમાં મૂળ ફરિયાદી વતી યુવા ધારાશાસ્ત્રી કિશન ડી. મીઠાપરા, તુષાર એચ. વાઘેલા અને સુનીલ એસ. બગડા રોકાયા હતા.

