Rajkot તા.13
રાજકોટ સહિત રાજયમાં તાપમાનનો પારો સતત ઉપર ચડવા લાગ્યો છે. ત્યારે આજે કચ્છમાં હિટવેવની ચેતવણી પણ અપાઈ છે. દરમ્યાન ગઈકાલે રાજકોટ ઉપરાંત 11 શહેરોમાં 38થી 31 ડીગ્રી ઉપર તાપમાન નોંધાયું હતું. 41.7 ડીગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ રહેવા પામ્યું હતું.
અમદાવાદમાં 40.7 વડોદરામાં 40.4, ભાવનગરમાં 38.9 ડીગ્રી તેમજ ભુજમાં 40.7, ડાંગમાં 39, ડીસામાં 39.8, તથા ગાંધીનગરમાં 40.2, કંડલામાં 40.7, નલીયામાં 39.4 અને પોરબંદરમાં 38 ડીગ્રી મહતમ તાપમાન નોંધાવા પામ્યું હતું.
એપ્રિલના પ્રારંભમાં બેવડી ઋતુ રહ્યાં બાદ હવે રાજ્યમાં અંગ દઝાડતી ગરમીનો રાઉન્ડ શરૂ થયો છે. છેલ્લા બે દિવસથી અમદાવાદ સહિતના શહેરોમાં આભમાંથી જાણે કે અગનગોળા વરસતા હોય તેવી ગરમી અનુભવાઇ રહી છે.
ત્યારે હવામાન વિભાગે આજે કચ્છમાં હીટવેવની ચેતવણી આપી છે અને યલો એલર્ટ જારી કર્યું છે. આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં હવામાાન ભેજયુક્ત રહી શકે છે અને ગરમ પવનો ફૂંકાઇ શકે છે. અમદાવાદમાં પણ પારો 41 ડિગ્રીએ પહોંચી શકે છે.
હવામાન વિભાગ અનુસાર, હાલમાં પશ્ચિમી વિક્ષોભ, જે મધ્ય સ્તરના ઉપોષ્ણકટિબંધીય પશ્ચિમી પવનોમાં 5.8 કિલોમીટરની ઊંચાઈએ 76ઓ પૂર્વ રેખાંશની આસપાસ 32ઓ ઉત્તર અક્ષાંશની ઉત્તરે ટ્રોફ તરીકે સક્રિય છે, તેની સીધી અસર ગુજરાત પર નહીંવત હોવા છતાં, ઉષ્ણતામાનમાં વધારો ચાલુ રહેશે. સમગ્ર પ્રદેશમાં આગામી 48 કલાક દરમિયાન મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો જોવા મળશે.
ત્યારબાદ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં 12મી એપ્રિલથી 18મી એપ્રિલ દરમિયાન ગરમ અને ભેજવાળી હવાના કારણે અસ્વસ્થતાભરી પરિસ્થિતિ સર્જાઇ શકે છે.
આ વિસ્તારોમાં બફારો વધુ સતાવી શકે છે. ખાસ કરીને, કચ્છ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં હીટવેવની સ્થિતિ પ્રવર્તવાની પ્રબળ સંભાવના છે. અમદાવાદમાં આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેવાની સંભાવના છે. મહત્તમ તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે.

