Surendranagarતા.15
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પંથકમાં થઈ રહેલા ખનીજના બેફામ ખોદકામ સામે તંત્રની અવાર નવાર દરોડાત્મક કાર્યવાહી બાદ પણ ખનીજચોરી અટકવાનું નામ લેતી નથી ત્યારે રાજકોટ રેન્જ અધિકારી ની ખાસ ટીમ દ્વારા સુદામડા પંથકમાં ચાલતા બ્લેક્ટ્રેપ ખનીજ ના ગેરકાયદે ખનન પર ઓચિંતો છાપો મારતાં બે સ્થળે થી નવ ડમ્પરો,ચાર એક્સવેટર મશીનો સહિત 3.50 કરોડ થી વધુ નો મુદ્દામાલ જપ્ત કરતા ચકચાર મચી જવા પામી છે.તંત્ર દ્વારા કરાયેલ કાર્યવાહી સમયે બન્ને ગેરકાયદે પથ્થરની ખાણો પર હાજર ભૂમાફ્યિાઓ,વાહન ચાલકો સહિતમાં નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા.લાંબા સમય બાદ હરકતમાં આવેલી રાજકોટ રેન્જ આઇ.જી ની ટીમે બોલાવેલા સપાટા થી બે નંબરની ખાણો ચલાવતા ખનીજચોરો માં ફ્ફ્ડાટ ફેલાઇ જવા પામ્યો છે.
સાયલાના સુદામડા ગામેથી અગાઉ પણ કરોડોની ખનીજચોરી ઝડપાઇ ચૂકી છે ત્યારે બેલગામ બનેલા ખનીજચોરો દ્વારા છાના ખૂણે ખનિજનું મબલક ગેરકાયદે ખનન અને વહન કરાતું હોવાની જાણકારી રાજકોટ રેંજના પોલીસ વડા નિર્લિપ્ત રાય ને મળતા તેમના દ્વારા આ મામલે કડક કાર્યવાહી કરવાની સૂચનાઓ આપવામાં આવી હતી.સાયલા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલ રાજકોટ રેન્જ ની ટીમ દ્વારા પૂર્વ બાતમીના આધારે સુદામડા થી પૂર્વના સીમ વિસ્તારમાં છાપો મારતાં ખનીજચોરીનું મસમોટું કારસ્તાન ઝડપાઇ જવા પામ્યું હતું.
રેન્જ ની ટીમ દ્વારા સીમ વિસ્તારમાં બે અલગ અલગ સ્થળે ચાલતા કાળા પથ્થર ના ગેરકાયદે કૌભાંડનો પર્દાફશ થવા પામ્યો હતો.તંત્ર દ્વારા બન્ને સ્થળે થી ગેરકાયદે ખનન તથા વહન માટે લવાયેલા ચાર એક્સવેટર મશીનો,ખનીજ ભરેલા નવ ડમ્પરો સાથે અંદાજે સાડા ત્રણ કરોડથી વધુ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

