વ્યાજ અને મૂડી ન ચૂકવી શકતા દેણું વધી જતા પગલું ભર્યું
Rajkot તા.08
શહેરમાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત હોય તેમ વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોપટપરા વિસ્તારમાં યુવાને દેણું વધી જવાથી કંટાળી ઘરે ગળાફાંસો ખાઈ લેતા ચકચાર મચી ગઈ છે. યુવાનને ગંભીર હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.પ્રાપ્ત વિગતો અનુસાર, પોપટપરા શેરી નં. ૨/૧૦ ના ખૂણે રહેતા આસિફભાઈ હુસેનભાઈ જેડા (ઉં.વ. ૩૮) એ આજે સવારે આશરે ૮:૦૦ વાગ્યાની આસપાસ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. પરિવારના સભ્યોને જાણ થતા તેમને તાત્કાલિક બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરિવારના જણાવ્યા મુજબ, આસિફભાઈએ આશરે ત્રણ મહિના પહેલા આફતાબ નામના વ્યક્તિ પાસેથી ₹૨૫,૦૦૦ ઉછીના લીધા હતા. આ રકમનું તેઓ નિયમિત વ્યાજ ચૂકવતા હતા, પરંતુ છેલ્લા થોડા સમયથી આર્થિક સંકડામણને કારણે વ્યાજ ભરી શક્યા નહોતા. વ્યાજની રકમ મૂડીમાં ઉમેરાતી ગઈ અને દેણું વધી જતાં આસિફભાઈ ભારે માનસિક તણાવમાં રહેતા હતા. અંતે વ્યાજના વિષચક્રથી કંટાળી તેમણે આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે.પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આસિફભાઈ રિક્ષા ચલાવીને પોતાના પરિવારનું ભરણપોષણ કરે છે. તેમને સંતાનમાં એક દીકરી છે અને તેઓ ત્રણ ભાઈઓમાં સૌથી નાના છે. હાલ સિવિલ હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

