વર્ષ ૨૦૨૧ માં ભારતના ઉત્તરાખંડમાં પણ આવી જ રીતે હિમાલયનું ગ્લેશિયર તૂટવાથી ૧૦૦ થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો
New Delhi તા.૨૭
નેપાળમાં બુધવારે આવેલી અચાનક પૂરની હોનારતે ભારે તબાહી મચાવી છે. આ જળપ્રલયમાં અત્યાર સુધીમાં અનેક લોકોના મોત થયા છે અને ૧૦૦૦ થી વધુ લોકો ગુમ હોવાના અહેવાલ છે. વરસાદ કે ભૂકંપ વિના અચાનક આવેલી આ આફત અંગે ભૂવૈજ્ઞાનિકો અને ગ્લેશિયોલોજિસ્ટ્સે ખુલાસો કર્યો છે કે રાજધાની કાઠમંડુથી ૪૦ માઇલ ઉત્તરમાં આવેલા ગ્લેશિયર પરથી બરફનો એક વિશાળ ટુકડો અચાનક તૂટી પડ્યો હતો. વૈજ્ઞાનિક ભાષામાં આ ઘટનાને ‘આઇસ એવલાંચ‘ (બરફનું ભૂસ્ખલન) કહેવામાં આવે છે.કેનેડાની યુનિવર્સિટી ઓફ કેલગરીના ભૂવૈજ્ઞાનિક ડેનિયલ શુગર અને સ્કોટલેન્ડની ડંડી યુનિવર્સિટીના સાયમન કૂકના વિશ્લેષણ મુજબ, લગભગ ૧૭,૦૦૦ ફીટની ઊંચાઈએથી ૨,૦૦૦ ફીટ પહોળો બરફનો ટુકડો તૂટીને ૪,૦૦૦ ફીટ નીચે ઘાટીમાં ખાબક્યો હતો. એટલી ઊર્જા સાથે બરફ નીચે પડ્યો કે તે પીસાઈને પાણી અને કાંપના મિશ્રણમાં ફેરવાઈ ગયો હતો. સેટેલાઇટ તસવીરોમાં ઘાટીના નીચલા ભાગમાં મોટો વિસ્ફોટ થયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. આ પાણી અને કાટમાળનો પ્રવાહ ભોટે કોશી નદી તરફ આગળ વધ્યો હતો.શરૂઆતમાં યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સરવે એ ૪.૪ ની તીવ્રતાના ભૂકંપનો ડેટા નોંધ્યો હતો, પરંતુ પાછળથી સ્પષ્ટતા કરવામાં આવી કે આ કોઈ કુદરતી ભૂકંપ નહોતો. બરફના પહાડ તૂટી પડવાના પ્રચંડ આઘાતના કારણે સિસ્મિક સિગ્નલ પેદા થયા હતા, જેની અસર ૫.૨ મેગ્નેટ્યુડ જેટલી હતી. ગ્રેનોબલ એલ્પ્સ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક ક્રિસ્ટન કૂકના જણાવ્યા અનુસાર, સવારે ૮ઃ૪૦ વાગ્યે સ્થાનિક સિસ્મિક રીડર્સમાં આ મોટી ઘટના નોંધાઈ હતી.વૈજ્ઞાનિકોનું માનવું છે કે આબોહવા પરિવર્તન અને સતત વધી રહેલું તાપમાન આ ગ્લેશિયર તૂટવા પાછળનું મહત્ત્વનું કારણ હોઈ શકે છે. ઘટનાના એક દિવસ પહેલાં સેટેલાઇટ ઇમેજમાં આ વિસ્તારમાંથી બરફનું કવર ઝડપથી ગાયબ થતું જોવા મળ્યું હતું. વર્ષ ૨૦૨૧ માં ભારતના ઉત્તરાખંડમાં પણ આવી જ રીતે હિમાલયનું ગ્લેશિયર તૂટવાથી ૧૦૦ થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો.

