સ્વચ્છતા હી સેવા ૨૦૨૬ અભિયાન અંતર્ગત વિવિધ સ્ટેશનો પર ખાદ્ય પદાર્થો અને પીવાના પાણીની ગુણવત્તાની ઝીણવટભરી તપાસ
Rajkot તા.૨૩ઃ
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા સ્વચ્છતા હી સેવા૨૦૨૬ અભિયાન અંતર્ગત મુસાફરોના સ્વાસ્થ્ય અને સુવિધાને પ્રાથમિકતા આપતા વિવિધ રેલવે સ્ટેશનો પર ખાદ્ય પદાર્થો તેમજ પીવાના પાણીની ગુણવત્તાની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. ડિવિઝનના મેડિકલ વિભાગના હેલ્થ ઇન્સ્પેક્ટરો દ્વારા વિવિધ સ્ટેશનો પર નિયમિત અને સઘન નિરીક્ષણ કરીને કેટરિંગ સ્ટોલ, ફૂડ આઉટલેટ, વોટર કૂલર, વોટર બૂથ અને વોટર હટમાંથી ખાદ્ય પદાર્થો તથા પીવાના પાણીના નમૂના લેવામાં આવી રહ્યા છે.
મુખ્ય સ્ટેશનોની સાથે-સાથે નાના અને વે-સાઇડ સ્ટેશનોને પણ આ તપાસ વ્યવસ્થામાં સામેલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, ટ્રેનોની પેન્ટ્રી કારમાં મુસાફરોને પીરસવામાં આવતા ભોજનની ગુણવત્તા, સ્વચ્છતા અને નિર્ધારિત ધોરણોના પાલનની પણ નિયમિત તપાસ કરવામાં આવી રહી છે.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી સુનીલ કુમાર મીનાએ જણાવ્યું હતું કે મુસાફરોની સુરક્ષા અને સ્વાસ્થ્ય રેલવેની પ્રાથમિકતાઓમાં સામેલ છે. તેમણે ઉમેર્યું કે સ્વચ્છતા હી સેવા૨૦૨૬ અભિયાન દરમિયાન ખાદ્ય પદાર્થો અને પીવાના પાણીની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે નિરીક્ષણ તેમજ નમૂના પરીક્ષણની કામગીરીને વધુ અસરકારક બનાવવામાં આવી છે. સંબંધિત વિભાગો દ્વારા નિર્ધારિત ધોરણોના પાલન પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
મુસાફરોને પીરસવામાં આવતા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડડ્ર્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની જોગવાઈઓ હેઠળ સર્વેલન્સ સેમ્પલિંગ અને નિર્ધારિત પ્રક્રિયા અનુસાર નમૂના લેવામાં આવે છે. ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા સમોસા, થેપલા, ખમણ અને પૂરી જેવા તૈયાર ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવે છે.
તેમજ બિસ્કિટ, વેફર્સ, કેક અને કૂકીઝ જેવા પેકેજ્ડ ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ રેલવેની ગુણવત્તા નિયંત્રણ વ્યવસ્થા અંતર્ગત ની જોગવાઈઓ અનુસાર કરવામાં આવે છે. કેટરિંગ સ્ટોલ પર ખાદ્ય પદાર્થોની જાળવણી, સંગ્રહ, સ્વચ્છતા અને સાફ-સફાઈની પણ તપાસ કરવામાં આવે છે.
મુસાફરોને સલામત પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવા માટે સ્ટેશન પરિસરમાં આવેલા વોટર કૂલર, વોટર હટ, વોટર બૂથ અને અન્ય પીવાના પાણીના સ્ત્રોતોમાંથી નિયમિતપણે પાણીના નમૂના લેવામાં આવે છે.
ડિવિઝનલ રેલવે હોસ્પિટલની લેબોરેટરીમાં કરવામાં આવે છે. જેમાં એસિડ ફોર્મેશન, ગેસ ફોર્મેશન તથા ઈ. કોલાઈ સહિતના નિર્ધારિત પરીક્ષણો કરવામાં આવે છે અને તેનું પરિણામ સામાન્ય રીતે ત્રણ દિવસમાં પ્રાપ્ત થાય છે.
પીવાના પાણીની ઝડપી તપાસ માટે બેક્ટેરિયલ સ્ટ્રીપ ટેસ્ટ કરવામાં આવે છે, જેનું પરિણામ લગભગ ૨૪ કલાકમાં રંગ પરિવર્તનના આધારે મળે છે. આ ઉપરાંત પાણીનું રાસાયણિક વિશ્લેષણ માન્યતા પ્રાપ્ત લેબોરેટરીમાં કરાવવામાં આવે છે, જેમાં ભારતીય રેલવેની જળ પુરવઠા નીતિ અનુસાર ૨૩ નિર્ધારિત માપદંડોની ચકાસણી કરવામાં આવે છે.
રાજકોટ ડિવિઝનમાં પ્રત્યેક હેલ્થ ઇન્સ્પેક્ટર માટે દર મહિને ઓછામાં ઓછા ૨૬ બેક્ટેરિયોલોજીકલ અને ૨ કેમિકલ પાણીના નમૂનાની તપાસ કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત છે. નાના અને વે-સાઇડ સ્ટેશનોને પણ આ તપાસ વ્યવસ્થામાં સામેલ કરવામાં આવ્યા છે. વધુમાં, મુખ્ય અને વે-સાઇડ સ્ટેશનો પર પીવાના પાણીમાં ફ્રી ક્લોરિન ની નિયમિત ચકાસણી કરવામાં આવે છે.
ખોરાક અને પીવાના પાણી સંબંધિત ધોરણોનું પાલન સુનિશ્ચિત કરવા માટે હેલ્થ ઇન્સ્પેક્ટર, કોમર્શિયલ ઇન્સ્પેક્ટર, ફૂડ સેફ્ટી ઓફિસર અને વરિષ્ઠ રેલવે અધિકારીઓ નિયમિતપણે નિરીક્ષણ કરે છે. સ્વચ્છતા હી સેવા૨૦૨૬ અભિયાન દરમિયાન આ નિરીક્ષણોને વિશેષરૂપે સઘન બનાવવામાં આવ્યા છે, જેથી મુસાફરોને સ્વચ્છ તેમજ ગુણવત્તાયુક્ત ભોજન અને સલામત પીવાનું પાણી પૂરું પાડી શકાય. આ નિરીક્ષણો દરમિયાન કેટરિંગ સ્ટોલની સાથે-સાથે ટ્રેનોની પેન્ટ્રી કાર અને સ્ટેશન પરિસરમાં ઉપલબ્ધ પીવાના પાણીની સુવિધાઓની પણ તપાસ કરવામાં આવે છે.

