Gandhinagar તા.15
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં જ દેશવાસીઓને રાષ્ટ્રહિતમાં એક વર્ષ સુધી ઈંધણ બચાવવા, વિદેશ પ્રવાસ ટાળવા સહિતની કેટલીક અપીલ કરી છે. ગુજરાતના કૃષિ અને સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણીએ વડાપ્રધાનની આ અપીલ બાદ દેશહિતમાં એક મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયી નિર્ણય લીધો છે.
ચાલુ માસના છેલ્લા અઠવાડિયામાં મંત્રી શ્રી વાઘાણી સંયુક્ત રાષ્ટ્ર (UN)ના મુખ્યાલય, ન્યૂયોર્ક ખાતે આયોજિત `ઇન્ટરનેશનલ સિમ્પોઝિયમ ઓન કોઓપરેટિવ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ’માં વિશેષ વક્તા તરીકે હાજરી આપવાના હતા.
વડાપ્રધાનના એક વર્ષ સુધી વિદેશ પ્રવાસ ન કરવાના આહવાનને પ્રાધાન્ય આપીને મંત્રીએ સ્વૈચ્છિક રીતે આ પ્રવાસ રદ કર્યો છે. મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ અંગે જણાવ્યું હતું કે, વડાપ્રધાનનો અનુરોધ અને દેશની પ્રાથમિકતાહંમેશા અમારા માટે સર્વોપરી છે, જેથી રાષ્ટ્રહિતમાં આ પ્રવાસ રદ કર્યો છે.

