તહેવારોની સિઝનમાં Onion, લસણ અને શાકભાજીના ભાવમાં ભડકો થતાં સામાન્ય લોકોનું બજેટ ખોરવાયું
નવી દિલ્હી, તા.૧૨
છેલ્લા કેટલાક સમયથી દેશમાં મોંઘવારીનો ગ્રાફ સતત ઉપર જઈ રહ્યો છે. તહેવારોની સિઝનમાં જ સામાન્ય માણસ પર મોંઘવારીનો આકરો માર પડ્યો છે. સરકારે જાહેર કરેલા નવા આંકડા મુજબ, સપ્ટેમ્બર ૨૦૨૬ માં દેશનો છૂટક ફુગાવો અચાનક વધી ગયો છે.
ઓગસ્ટ મહિનામાં છૂટક ફુગાવો ૪.૮૩ ટકા હતો, જે સપ્ટેમ્બરમાં કૂદકે ને ભૂસકે વધીને સીધો ૫.૫૪ ટકા પર પહોંચી ગયો છે. આ જંગી વધારા પાછળનું સૌથી મોટું કારણ ખાદ્ય પદાર્થો અને શાકભાજીના ભાવમાં થયેલો તોતિંગ વધારો છે.
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને અન્ય ભૌગોલિક-રાજકીય કટોકટીની સીધી અસર ભારત પર પડી રહી છે. વિશ્વભરના દેશો હાલમાં મોંઘવારીના અજગર ભરડામાં છે, અને ભારત પણ તેમાંથી બાકાત રહી શક્યું નથી.
ઘર ચલાવતી ગૃહિણીઓનું બજેટ સૌથી વધુ શાકભાજી અને રોજિંદી ખાવાપીવાની ચીજોએ બગાડ્યું છે. ઓગસ્ટમાં ખાદ્ય ફુગાવાનો દર ૫.૯૭ ટકા હતો. સપ્ટેમ્બરમાં આ દર તીવ્ર ગતિએ વધીને ૭.૭૪ ટકા જેટલો ઊંચો થઈ ગયો છે.
શાકભાજીના માર્કેટમાં ખાસ કરીને Onionના ભાવે લોકોને ખરેખર રડાવ્યા છે. ઓગસ્ટમાં ડુંગળીનો ફુગાવો ૪૮.૭૮ ટકા હતો, જે સપ્ટેમ્બરમાં ડબલ કરતાં પણ વધુ એટલે કે ૧૦૮.૦૯ ટકા થઈ ગયો છે.
લસણના ભાવમાં પણ આવો જ કમરતોડ ઉછાળો જોવા મળ્યો છે. લસણનો ફુગાવો ૪૩.૬૦ ટકાથી વધીને ૫૪.૬૨ ટકા નોંધાયો છે. જ્યારે લીંબુના ભાવનો ફુગાવો ૧૫.૧૫ ટકાથી વધીને ૩૬.૪૧ ટકા થઈ ગયો છે.
જોકે, આ સાર્વત્રિક મોંઘવારી વચ્ચે ગ્રાહકોને એક મોરચે થોડી રાહત પણ મળી છે. બટાકાના ભાવમાં વાર્ષિક ધોરણે ૧૧.૫૦ ટકાનો ઘટાડો થયો છે. આ જ રીતે ટામેટાના ભાવમાં પણ ૮.૬૨ ટકાનો ઘટાડો નોંધાયો છે.
ચાંદીના દાગીનાનો ફુગાવો હજુ પણ હઠીલા સ્તરે ખૂબ ઊંચો છે. ઓગસ્ટમાં તે ૧૦૬.૮૧ ટકા હતો, જે સપ્ટેમ્બરમાં થોડો ઘટીને ૮૭.૮૦ ટકા રહ્યો છે. બીજી તરફ, રોજિંદા જીવનની અન્ય તમામ સેવાઓ પણ મોંઘી થઈ રહી છે.
પર્સનલ કેર, સામાજિક સુરક્ષા અને અન્ય ચીજવસ્તુઓનો ફુગાવો ૧૩.૭૫ ટકા પર પહોંચ્યો છે. જ્યારે બહાર જમવાના શોખીનો માટે રેસ્ટોરન્ટ અને હોટલનું રહેઠાણ ૯.૩૬ ટકા મોંઘા થયા છે.
પરિવહન ક્ષેત્રે ૫.૦૧ ટકા અને ખાનગી વાહનોના ખર્ચમાં ૭.૪૬ ટકાનો મોટો વધારો થયો છે. આ ઉપરાંત શિક્ષણ સેવાઓ ૩.૯૪ ટકા, રહેઠાણ-યુટિલિટીઝ ૨.૭૪ ટકા અને આરોગ્ય સેવાઓ ૧.૪૦ ટકા મોંઘી થઈ છે.
નોંધનીય બાબત એ છે કે શહેરો કરતાં ગ્રામીણ વિસ્તારોમાં મોંઘવારીનો માર વધુ સતાવી રહ્યો છે. ઓગસ્ટમાં ગ્રામીણ ફુગાવો ૫.૨૪ ટકા હતો, જે સપ્ટેમ્બરમાં ૬.૦૮ ટકાને પાર કરી ગયો છે. જ્યારે શહેરી ફુગાવો ૪.૩૧ ટકાથી વધીને ૪.૮૮ ટકા નોંધાયો છે.
ફુગાવાનો આ તાજેતરનો દર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (ઇમ્ૈં) ના ૪ ટકાના આદર્શ લક્ષ્યાંક કરતાં ઘણો વધુ છે. જોકે, તે હજુ પણ કેન્દ્રીય બેંકની ૨ થી ૬ ટકાની સ્વીકાર્ય મર્યાદાની અંદર છે, પરંતુ સતત વધતો ટ્રેન્ડ ચિંતાજનક છે.
મોંઘવારીને કાબૂમાં લેવા માટે જ ઇમ્ૈં એ તાજેતરમાં કડક પગલું ભર્યું છે. ફુગાવાની આ ચિંતાઓને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેંકે ગયા અઠવાડિયે પોતાના રેપો રેટમાં ૦.૨૫ ટકાનો વધારો કર્યો છે. જેના કારણે હવે નવો રેપો રેટ ૫.૫૦ ટકા થઈ ગયો છે.
આ વર્ષના જાન્યુઆરી મહિનાથી જ ફુગાવાનો ગ્રાફ સતત ઉપર તરફ જઈ રહ્યો છે. એક નજર આ વર્ષના છૂટક ફુગાવાના સત્તાવાર આંકડાઓ પર કરીએ તો સ્થિતિ વધુ સ્પષ્ટ થાય છેઃ
જાન્યુઆરીઃ ૨.૭૫%
ફેબ્રુઆરીઃ ૩.૨૧%
માર્ચઃ ૩.૪૦%
એપ્રિલઃ ૩.૪૮%
મેઃ ૩.૯૩%
જૂનઃ ૪.૩૮%
જુલાઈઃ ૪.૪૫%
ઓગસ્ટઃ ૪.૮૨%
સપ્ટેમ્બરઃ ૫.૫૪%
આ આંકડાઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે જાન્યુઆરીથી લઈને અત્યાર સુધી માત્ર નવ મહિનામાં જ મોંઘવારીનો દર બમણો થઈ ગયો છે. આગામી સમયમાં જો આ ભાવવધારો કાબૂમાં નહીં આવે, તો સામાન્ય જનતા માટે ઘર ચલાવવું ખૂબ મુશ્કેલ બની જશે.

