(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૯
વાંકાનેર નેશનલ હાઈવે પર રિક્ષામાં પેસેન્જર બેસાડવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં એક રિક્ષાચાલક પર લોખંડના પાઈપ વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડવામાં આવી હતી.
વાંકાનેરના સ્ટેશન રોડ પર રહેતા ફિરોજભાઇ મુસાભાઇ માજોઢી ગત તારીખ ૫ મેના રોજ બપોરના સમયે નેશનલ હાઈવે જકાતનાકા રિક્ષા સ્ટેન્ડ પાસે હાજર હતા. તે દરમિયાન આરોપી દિપક કોળી નામના શખ્સે રિક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે ફરિયાદી સાથે ઝઘડો શરૂ કર્યો હતો. ઉશ્કેરાયેલા આરોપીએ ફિરોજભાઇને બિભત્સ ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો અને ત્યારબાદ લોખંડના પાઈપ વડે હુમલો કરતા ફરિયાદીને ડાબા હાથની આંગળીમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઈજા થઈ હતી. વાંકાનેર સીટી પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપી સામે હથિયારબંધીના જાહેરનામાના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

