સાળંગપુર,તા.01
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથીદિવાળીનું પાવન પર્વ શરૂ થઈ ગયું છે.
આ પર્વ નિમિત્તે મઘમઘી રહ્યું છે. ત્યારે શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીની પ્રેરણાથી અને કોઠારી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનથી આજે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને દેશ-વિદેશની અલગ-અલગ ચલણી નોટોમાંથી બનાવેલા વાઘા અર્પણ કરાયા છે. આજે સવારે શણગાર આરતી શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીજી દ્વારા કરવામાં આવી હતી. જેનો લ્હાવો મોટી સંખ્યામાં ભક્તોએ લઈને ધન્યતા અનુભવી હતી.
આજે દાદાને અર્પણ કરાયેલા વિશેષ વાઘા અંગે પૂજારી સ્વામી એ જણાવ્યું કે, દેશમાં દિવાળીનું પર્વ ઉજવાઈ રહ્યું છે. સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે પણ આ પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે. આજે દાદાને અમેરિકા, કેન્યા, કેનેડા, તાન્ઝાનિયા, યુગાન્ડા અને હોંગકોંગ સહિત અલગ-અલગ દસ દેશોની ચલણી નોટોમાંથી બનાવેલા વિશેષ વાઘા અર્પણ કરાયા છે.
આ વાઘા પ્યોર સિલ્કના કાપડમાંથી ચાર દિવસની મહેનતે તૈયાર થયાં છે. આ સિવાય હનુમાનજીને 500 ગ્રામ સોનાનો હાર ધરાવાયો છે અને દાદા સમક્ષ પાંચ કિલો સોનું ધરવામાં આવ્યું છે.

