ક્રિપ્ટોકરન્સી મારફતે ખંડણી વસૂલવાના હાઇટેક ગુનાએ ચિંતા વધારી; ફરાર સૂત્રધારોની શોધમાં પોલીસ
Kutch,તા.૨૮
કચ્છના ગાંધીધામમાં અપહરણ અને ક્રિપ્ટોકરન્સી મારફતે કરોડોની ખંડણી વસૂલવાના એક હાઇટેક ગુનાનો કચ્છ પોલીસે પર્દાફાશ કર્યો છે. ગાંધીધામના એક ટ્રાન્સપોર્ટ વેપારીનું અપહરણ કરી તેને બંધક બનાવી દુબઈમાં રહેતા તેના ભાઈ પાસેથી ૫,૮૪,૫૦૦ યુએસડીટી એટલે કે અંદાજે રૂ. ૫.૫૫ કરોડની ખંડણી વસૂલવાના કેસમાં પોલીસે અત્યાર સુધીમાં ૭ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓને સાથે રાખીને ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું છે.
પોલીસ તપાસ મુજબ, ટ્રાન્સપોર્ટ વેપારીનું અપહરણ કર્યા બાદ આરોપીઓ તેને ગાંધીધામના સપનાનગર વિસ્તારમાં આવેલા એક મકાનમાં લઈ ગયા હતા, જ્યાં તેને બંધક બનાવી રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ વેપારી પાસેથી દુબઈમાં રહેતા તેના ભાઈને વીડિયો કોલ કરાવવામાં આવ્યો હતો અને વેપારીની હત્યા કરવાની ધમકી આપી ખંડણીની માંગ કરવામાં આવી હતી.
પરિવારજનોના જણાવ્યા મુજબ, વેપારીનો જીવ બચાવવા માટે દુબઈથી આરોપીઓ દ્વારા જણાવાયેલા ક્રિપ્ટો વોલેટમાં ૫,૮૪,૫૦૦ ેંજીડ્ઢ્ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ભારતીય ચલણમાં આ રકમની કિંમત અંદાજે રૂ. ૫.૫૫ કરોડ હોવાનું પોલીસના પ્રાથમિક અંદાજમાં સામે આવ્યું છે. ખંડણીની રકમ મળ્યા બાદ આરોપીઓએ વેપારીને મુક્ત કરી દીધો હતો.
ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને કચ્છ પૂર્વ પોલીસ દ્વારા વિશેષ તપાસ શરૂ કરવામાં આવી હતી. એલસીબી, એસઓજી, કંટ્રોલ રૂમ અને સ્થાનિક પોલીસની સંયુક્ત મળીને આશરે ૧૦ વિશેષ ટીમો બનાવવામાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સ, ડિજિટલ ટ્રેકિંગ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
તપાસ દરમિયાન પોલીસે આ કેસમાં સંડોવાયેલા ૭ આરોપીઓની ધરપકડ કરી છે. તેમની પાસેથી ૧૧ મોંઘા મોબાઇલ ફોન અને અંદાજે રૂ. ૯.૬૮ લાખની રોકડ રકમ પણ કબજે કરવામાં આવી છે.
તપાસના ભાગરૂપે આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર, આ કેસના મુખ્ય સૂત્રધાર તરીકે નામ સામે આવેલા જાવેદ સાયચા, રિઝવાન ખીચા અને સોહિલ બુચડ હજુ ફરાર છે. તેમની શોધખોળ માટે વિવિધ સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે અને તેમને ઝડપવા માટે કાર્યવાહી તેજ કરવામાં આવી છે.

