Rajkot, તા.18
રાજકોટનાં આંતરરાષ્ટ્રીય હિરાસર એરપોર્ટ ખાતે કાર્ગોમાં આવેલા 180 કિલો અને રૂા.પાંચ કરોડની કિંમતના ચાંદીના પાર્સલો એ.ટી.એસ. અને રાજકોટ એલસીએ ગઇકાલે સવારે ઝડપી લીધા હતા અને આ ચાંદી સ્ટેટ જીએસટીના રાજકોટ વિભાગને પોલીસે હેન્ડ ઓવર કરી દેતા હવે આ ચાંદી પ્રકરણની તપાસમાં સ્ટેટ જીએસટી વિભાગે પણ ઝુકાવ્યું છે. અને આ ચાંદી પ્રકરણની તપાસ જીએસટી અન્વેષણ વિંગની મોબાઇલ સ્કવોડને સોંપી દેવામાં આવતા હવે આગામી દિવસોમાં આ ચાંદી પ્રકરણમાં નવા-નવા ખુલાસા થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ ચાંદી વારાણસીથી સનરાઇઝ નામની પેઢી દ્વારા રાજકોટનાં સામકાંઠાનાં એક વેપારી વિપુલ કુંજરાને આ ચાંદી કાર્ગો મારફતે મોકલાયાનું કહેવાય રહ્યું છે. આથી સ્ટેટ જીએસટી વિભાગે વેંચનાર અને ખરીદનાર એમ બન્ને પાર્ટીઓની દિશામાં તપાસ શરુ કરી છે. રાજકોટ અન્વેષણ વિંગના અધિકારી શ્રી જનકાંતનો સંપર્ક સાધતા તેઓએ જણાવેલ હતું કે, ગઇકાલે જ રૂા.5 કરોડની ચાંદી જીએસટીને હેન્ડઓવર કરી દેવાઇ હતી.
આથી આ બાબતે આગળની તપાસ મોબાઇસ સ્કવોડને સોંપી દેવાઇ છે. શ્રી જનકાંતે વધુમાં જણાવેલ હતું કે કુરીયર કંપનીનાં સંચાલકનું પણ નિવેદન લેવાયું ચે અને હવે વેંચનાર તથા ખરીદનાર પેઢીનાં સંચાલકોની પણ પૂછપરછ થશે અને તેનાં નિવેદનો લેવા તજવિજ શરુ કરાઇ છે.
ખાસ કરીને ચાંદી મોકલનાર જેન્યુઅન ડિલર છે કે કેમ? તેઓએ કાયદેસરની ખરીદી કરી છે? ખરીદીનાં બીલ-આધાર પુરાવા છે? અગાઉ આવા ટ્રાન્જેક્શન થયા છે? તે દિશામાં મોબાઇલ-સ્કવોર્ડ, ગઇકાલે મોડી રાત સુધી તપાસ હાથ ધરી હતી. વધુમાં શ્રી જનકાંતે જણાવેલ હતું કે, ગત મોડી રાત્રી સુધી થયેલી તપાસનાં અંતે ચાંદી વેંચનાર અને ખરીદનાર એકથી વધુ લોકો હોવાનું બહાર આવી રહ્યું છે. ત્યારે આ ચાંદી પ્રકરણમાં બોગસ બિલીંગ કરચોરી અને હવાલા કૌભાંડ છે કે કેમ? તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.
આ તપાસ હજુ થોડા દિવસો ચાલશે અને ત્યારબાદ સત્ય બહાર આવશે તેમજ ચાંદી મોકલનાર અને ખરીદનારને પણ નોટીસો આપી નિવેદન લેવા બોલાવાશે. જો નોટીસ બાદ પણ કોઇ ચાંદીની જવાબદારી લેવા નહીં આવે તો તેની સરકારી રાહે હરરાજી કરી વેંચી દેવાશે.
એર કાર્ગોમાં પર્યાપ્ત બીલ વિના માલ કેવી રીતે લેવાયો? ચાંદી બજારમાં સોંપો
સોના-ચાંદીના ઉંચાભાવ તથા વિદેશી હુંડિયામણની બચત માટે સરકાર દ્વારા નિયંત્રણો વચ્ચે રાજકોટ આવતી ચાંદીની બે ખેપ પકડાઇ છે. આ જથ્થો શંકાસ્પદ માલુમ પડતા કાયદેસરતા મામલે તપાસનો દોર શરુ કરવામાં આવ્યો છે.
એક સાથે 280 કિલો ચાંદી પકડાઇ હોવાથી રાજકોટની ચાંદી બજારમાં સોંપો પડી ગયો છે. આ માલ કોનો છે તે વિશે વેપારીઓમાં આંતરિક ચર્ચા થઇ રહી છે. રાજકોટમાં સામો કાંઠો ચાંદીના વેપારનું મથક છે. મોટા ભાગનો ચાંદીનો કારોબાર ત્યાંથી જ થાય છે એટલે ત્યાંના જ વેપારીઓ હોવાનું મનાય છે.
દરમિયાન ચાંદીના એક જાણીતા વેપારીએ કહ્યું કે સામાન્ય રીતે એરકાર્ગો મારફત મોકલાતા માલમાં બીલ સહિતના જરુરી દસ્તાવેજો સાથે સોંપવાનું ફરજીયાત હોય છે. આ માલ બીન હિસાબી હોવાના સંજોગોમાં એરકાર્ગોમાં માલ કેવી રીતે આવ્યો તે પણ સવાલ છે. મોટા ભાગે આંતરરાજ્ય વેપાર કાયદેસરના જ થતાં હોય છે.

