Morbi તા.૧૧ઃ
મોરબીમાં ગ્રીન ચોક વિસ્તારમાં આવેલા એક જાણીતા મંદિરમાં ધોળા દિવસે ચોરીની ઘટના બનતા ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તસ્કરોએ દર્શન કરવાના બહાને મંદિરમાં પ્રવેશી પવિત્ર દાન પેટીને નિશાન બનાવી તેમાંથી રૂ ૫૦ હજાર ચોરી ગયા હતા.
વિગતવાર માહિતી મુજબ, મોરબી સામાકાંઠે અનુપમ સોસાયટીમાં રહેતા ઋષભભાઈ કિરણભાઈ પારેખે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ગત તારીખ ૫ મે ના રોજ સાંજના સમયે ગ્રીન ચોક, નાગનાથ શેરીમાં આવેલા ખોડીયાર માતાજીના મંદિરમાં આરોપી રુત્વિક ઉજેશભાઈ જોષી અને વરુણ મનસુખભાઈ ડોડીયાએ દર્શન કરવાના બહાને પ્રવેશ કર્યો હતો. આ શખ્સોએ મંદિરની દાન પેટીનું તાળું તોડી તેમાંથી અંદાજે રૂ. ૫૦,૦૦૦ ની રોકડ રકમની ચોરી કરી હતી. પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા મુજબ ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

