Bhavnagar તા.19
ભાવનગર શહેરના તિલકનગર રોડ પર આવેલા આડોડીયા વાસ વિસ્તારમાં ક્રિકેટ રમવા જેવી સામાન્ય બાબતે બે જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ધીંગાણું સર્જાયું હતું. બંને પક્ષો દ્વારા સામસામે પથ્થરમારો કરવામાં આવતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આ અથડામણમાં 3 મહિલાઓને ઇજાઓ પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પથ્થરમારાની સાથે મકાનો અને રિક્ષામાં પણ તોડફોડ કરી નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.
આ બનાવ ની જાણ થતા જ ભાવનગર એલ.સી.બી. અને ઘોઘારોડ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મામલો થાળે પાડ્યો હતો. આ બનાવ અંગે બંને જૂથ દ્વારા સામસામી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં મહિલાઓ અને પુરુષો મળી કુલ 22 લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.પ્રથમ પક્ષે જ્યોતિબેન રાજેશભાઈ રાઠોડે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમનો દીકરો સ્કૂલેથી દડો લેવા ગયો ત્યારે ક્રિકેટ રમતા છોકરાઓ સાથે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ સામા પક્ષના લોકોએ એકસંપ થઈ ગાળો આપી પથ્થરમારો કર્યો હતો, જેમાં સિમેન્ટના બ્લોક અને પથ્થર વાગવાથી ઇજાઓ પહોંચી હતી.
સામે પક્ષે પ્રિયંકાબેન રાજેશભાઈ રાઠોડે પણ ફરિયાદ નોંધાવી છે કે, ક્રિકેટ રમતા છોકરાઓનો દડો ઘરમાં આવતા ઠપકો આપવા જતા સામા પક્ષના લોકોએ ઉગ્ર અવાજે ઝઘડો કર્યો હતો. આ દરમિયાન લાકડીઓ અને પથ્થરો વડે હુમલો કરવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ઘોઘારોડ પોલીસે આ બનાવ અંગે બંને પક્ષે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. હાલ વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે

