દસ્તાવેજોની અસ્પષ્ટ નકલો અને ૨૨૦ની કોર્ટ ફી ઓછી હોવા જેવા વાંધા નોંધાયા છે અરજીની સુનાવણી હજુ થઈ નથી
નવી દિલ્હી,તા.૧૩
Supreme Courtની રજિસ્ટ્રીએ મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન અને મતદારોનાં નામ કથિત રીતે મનસ્વી રીતે કમી કરવા સામે ગઠબંધન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં ૧૪ ખામીઓ દર્શાવી છે. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી સહિત વિપક્ષના ૧૧ નેતાઓએ આ અરજી દાખલ કરી છે. જોકે, અરજીને હજુ સુનાવણી માટે મંજૂરી મળી નથી. રજિસ્ટ્રીએ વકીલોના અધિકારપત્રો પર સહી ન હોવા, દસ્તાવેજોની અસ્પષ્ટ નકલો અને ૨૨૦ રૂપિયાની કોર્ટ ફી ઓછી હોવા સહિતના વાંધા નોંધ્યા છે. રજીસ્ટ્રીએ એ પણ સ્પષ્ટતા માગી છે કે બંધારણની કલમ ૩૨ હેઠળ દાખલ કરવામાં આવેલી રિટ અરજીમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોને વ્યક્તિગત રીતે પ્રતિવાદી કેમ બનાવવામાં આવ્યા છે. આ વાંધા અરજીની પ્રક્રિયા સાથે સંબંધિત છે અને તેને અરજીના મુદ્દાઓ પર સુપ્રીમ કોર્ટના ચુકાદા તરીકે જોવાના નથી.
રજિસ્ટ્રીએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઓળખપત્રની સ્પષ્ટ અને વાંચી શકાય તેવી નકલ માગી છે. ઉપરાંત, અરજીમાં ત્રીજાથી ૧૧મા અરજદાર સુધીના નવ નેતાઓના વકીલાતનામા ગાયબ હોવા અથવા તેના પર સહી ન હોવાનો વાંધો નોંધાયો છે. વકીલાતનામા દ્વારા અરજદાર વકીલને પોતાના વતી કોર્ટમાં રજૂ થવાની સત્તા આપે છે.
આ નવ નેતાઓમાં સૌગત રોય, અખિલેશ યાદવ, તેજસ્વી પ્રસાદ યાદવ, સંજય રાઉત, એમ.એ. બેબી, ડી. રાજા, મહુઆ માઝી, સુપ્રિયા સુલે અને ઈ.ટી. મોહમ્મદ બશીરનો સમાવેશ થાય છે.
ચૂંટણી પંચે ૨૪ જૂન, ૨૦૨૫ના રોજ જીૈંઇ શરૂ કરવાનો જે નિર્ણય લીધો હતો તેની સ્પષ્ટ નકલ સહિત મતદારોનાં નામ કમી કરવા સંબંધિત દસ્તાવેજો પણ રજૂ કરવા જણાવાયું છે. પેન ડ્રાઇવમાં ડિજિટલ નકલો આપવા અંગે પણ વાંધો નોંધાયો છે.
રાહુલ ગાંધી અને અન્ય વિપક્ષી નેતાઓએ ચૂંટણી યાદીમાં મતદારોનાં નામ કમી કરવા તથા તેમાં ફેરફાર કરવાની પ્રક્રિયાની તપાસ માટે નિવૃત્ત સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની અધ્યક્ષતામાં સ્વતંત્ર સમિતિ રચવાની માગ કરી છે. સમિતિમાં ટેકનિકલ નિષ્ણાતો અને અન્ય પ્રતિષ્ઠિત નાગરિકોનો સમાવેશ કરીને નિશ્ચિત સમયમર્યાદામાં તપાસ કરાવવાની માગ છે.અરજીમાં દેશનાં વિવિધ રાજ્યોમાં ચાલી રહેલી જીૈંઇ પ્રક્રિયા પર સુપ્રીમ કોર્ટના નિર્ણય સુધી વચગાળાનો પ્રતિબંધ મૂકવાની માગ પણ કરવામાં આવી છે. કોઈ પણ મતદારનું નામ દૂર કરતાં પહેલાં તેને નોટિસ આપવા અને પોતાનો પક્ષ રજૂ કરવાની વાજબી તક આપવાની વ્યવસ્થા કરવા અરજદારોએ જણાવ્યું છે.
આ ઉપરાંત, મતદાર યાદીમાંથી કમી કરાયેલાં નામોની બૂથવાર યાદી, નામ દૂર કરવાનાં કારણો તથા ઉંમર અને લિંગ પ્રમાણેની વિગતો જાહેર કરવાની માગ કરવામાં આવી છે. પાત્ર મતદારોનાં નામ ફરી સામેલ કરી શકાય તેવી વ્યવસ્થા ઊભી કરવાની પણ માગ છે.
અરજીમાં પંજાબની મતદાર યાદીનો ઉલ્લેખ કરીને તાત્કાલિક હસ્તક્ષેપની જરૂરિયાત દર્શાવવામાં આવી છે. અરજદારોના જણાવ્યા અનુસાર, જૂન ૨૦૨૬માં આશરે ૨.૧૪ કરોડ મતદારોની સંખ્યા સામે ૧૩ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ જાહેર થયેલી મુસદ્દા મતદાર યાદીમાં લગભગ ૨૦.૬૬ લાખ નામ ઘટ્યાં હોવાનું જણાવાયું હતું.
અરજીમાં ચૂંટણી પંચ પાસેથી જીૈંઇ સંબંધિત ફાઇલો, બેઠકની નોંધ, આંતરિક દસ્તાવેજો અને ઈઝ્રૈંદ્ગઈ્ તથા ઈર્ઇંદ્ગઈ્ પ્રણાલીના ઍક્સેસ લોગ્સ પણ માગવામાં આવ્યા છે. ચૂંટણી પંચના નિર્ણયોની બંધારણની કલમ ૩૨૪ અને સંબંધિત કાયદા હેઠળ તપાસ કરવાની માગણી સાથે, નિયમોના ભંગ માટે જવાબદાર અધિકારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવાની માગ પણ કરાઈ છે.
આ અરજી મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત દ્વારા રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેની મુલાકાતની માગણી સ્વીકારવામાં ન આવ્યા બાદ દાખલ કરવામાં આવી હતી. બંને નેતાઓએ મુખ્ય ચૂંટણી કમિશનર સહિતના મુદ્દાઓ અંગે આવેદનપત્ર રજૂ કરવા મુલાકાત માગી હતી.
મુખ્ય ન્યાયાધીશે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ સમક્ષ પહેલેથી જ વિચારાધીન મુદ્દાઓ અંગે આવી મુલાકાત ન્યાયતંત્ર અને કારોબારી વચ્ચેની સત્તાના વિભાજનની વ્યવસ્થા તથા ન્યાયિક ઔચિત્યના સિદ્ધાંતો સાથે અસંગત બની શકે છે. જોકે, તેમણે કાયદા અનુસાર અરજી દાખલ કરવામાં આવે તો તેની વહેલી તકે સુનાવણી કરવાની ખાતરી આપી હતી.

