Surat,તા.૧૨
શહેરના ડીંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નવાગામના લક્ષ્મણનગર ખાતે તાજેતરમાં મોડી રાત્રે થયેલી નિર્મમ હત્યાના કેસમાં પોલીસે બાકી રહેલા ૨ ફરાર આરોપીઓને ઝડપી પાડી સફળતા મેળવી છે. આ સાથે જ આ ગુનામાં સંડોવાયેલા કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોરને પણ પોલીસે રાઉન્ડઅપ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, બનાવના ગણતરીના કલાકોમાં જ પોલીસે અગાઉ ૩ મુખ્ય આરોપીઓની ધરપકડ કરી લીધી હતી.
આ લોહિયાળ ઘટનાની વિગત એવી છે કે, ગત ૩૦ જુલાઈ ૨૦૨૬ના રોજ મોડી રાત્રે આશરે પોણા એક વાગ્યાના અરસામાં પ્રવિણ ઉર્ફે આંબા આધાર શિરસાઠ અને તેના મિત્ર ભુષણ ઉર્ફે બબલુ બંસીલાલ પાટીલ વચ્ચે માત્ર જમવા બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી. જોતજોતામાં આ તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
તે સમયે ભુષણના અન્ય મિત્રો ચિન્ટુ, ચંદન, સાજન તથા પ્રિતેશ ઉર્ફે ભૈયા રાવણ પાટીલ સહિતના લોકો ત્યાં ભેગા થઈ ગયા હતા. ઉશ્કેરાયેલા આરોપીઓએ તીક્ષ્ણ ચપ્પુ વડે પ્રવિણના ગળા તેમજ શરીરના અન્ય ભાગો પર જીવલેણ હુમલો કરી દીધો હતો, જેમાં ગંભીર ઈજાઓ પહોંચવાના કારણે પ્રવિણનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
બનાવ અંગે મૃતકના પરિવારજનોની ફરિયાદના આધારે ડીંડોલી પોલીસે હત્યા સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. શરૂઆતમાં જ ૩ આરોપીઓને ઝડપી પાડ્યા બાદ બાકીના ફરાર આરોપીઓને પકડવા માટે ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી સર્વેલન્સ સ્ક્વોડની વિશેષ ટીમ બનાવવામાં આવી હતી.
પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને આધુનિક ટેકનિકલ સર્વેલન્સનો સચોટ ઉપયોગ કરીને આરોપીઓની હિલચાલ પર નજર રાખી હતી. બાતમીના આધારે પોલીસે દરોડા પાડીને ફરાર આરોપી કિશન મહેન્દ્ર રાજભર અને અરૂણ ઉર્ફે ચિન્ટુ ઉર્ફે કાલીયા મુન્નીલાલ પ્રજાપતિને ઝડપી લીધા હતા, જ્યારે સંડોવાયેલા સગીરને પણ રાઉન્ડઅપ કરવામાં આવ્યો હતો.
હાલ ડીંડોલી પોલીસે ઝડપાયેલા તમામ આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૧૦૩ (૧), ૧૯૧ (૧), ૧૯૧ (૩), ૩૫૨, ૩(૫) તેમજ જી.પી. એક્ટની કલમ ૧૩૫ (૧) મુજબ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તમામ મુખ્ય અને સહ-આરોપીઓ પોલીસની ગિરફ્તમાં આવી જતાં હવે આ હત્યા કેસમાં દરેક આરોપીની ચોક્કસ ભૂમિકા અંગે ઊંડાણપૂર્વક તપાસ આગળ ચલાવવામાં આવી રહી છે.

