Surat,તા.૨૫
સુરત જિલ્લામાંથી પસાર થતા ભારતમાલા એક્સપ્રેસ વે પર કામરેજ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ડીગસ ગામની સીમમાં રોડ પર ટેકનિકલ ખામીના કારણે ઉભેલા ડમ્પરની પાછળ પૂરઝડપે આવી રહેલી હેરિયર કાર ધડાકાભેર ઘૂસી ગઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે કૂચડાઈ ગયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા છે.
પ્રાથમિક માહિતી મુજબ કારમાં સવાર લોકો મુંબઈથી શંખેશ્વર મંદિરે દર્શન કરવા માટે જઈ રહ્યા હતા. એન ઇ.-૦૪ પર મુંબઈથી અમદાવાદ તરફ જતા માર્ગ પર કામરેજ પોલીસ સ્ટેશનની હદમાં આ દુર્ઘટના બની હતી.અકસ્માતમાં ચારેય મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચતાં તેમનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતાં.
મળતી માહિતી પ્રમાણે ડમ્પરમાં અચાનક એર પ્રેશરની સમસ્યા સર્જાઈ હતી. જેના કારણે ડમ્પર ધીમું પડી ગયું હતું અને ચાલકે તેને રસ્તા પર રોકીને ટેકનિકલ ખામી તપાસવાનું શરૂ કર્યું હતું.
આ દરમિયાન પાછળથી પૂરઝડપે આવી રહેલી હેરિયર કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને કાર સીધી ડમ્પરના પાછળના ભાગમાં ઘૂસી ગઈ હતી.અકસ્માત બાદ કારનો કૂચડો વળી જતાં તેમાં સવાર લોકોને બહાર કાઢવામાં મુશ્કેલી સર્જાઈ હતી.
ઘટનાની જાણ થતાં કામરેજ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી ચારેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે કામરેજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલ્યા હતા.
અકસાનને કારણે એક્સપ્રેસ વે પર થોડા સમય માટે વાહનવ્યવહારને અસર થઈ હતી. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને રસ્તા પરથી હટાવી ટ્રાફિકને ફરી પૂર્વવત કરાવ્યો હતો. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ભારતમાલા એક્સપ્રેસ વે પર અગાઉ પણ અકસ્માતોની ઘટનાઓ સામે આવી ચૂકી છે. કામરેજ નજીક બનેલી આ ગમખ્વાર દુર્ઘટનાઅ ફરી એક વખત હાઈવે પર ટેકનિકલ ખામીના કારણે વાહન ઊભું રહે ત્યારે સુરક્ષા વ્યવસ્થાના મહત્વનો મુદ્દો સામે લાવ્યો છે.

