(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૩૦ઃ
ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે ત્યારે મોરબીવાસીઓને વરસાદી પાણીના ભરાવાની સમસ્યામાંથી મુક્તિ અપાવવા માટે Morbi મહાનગરપાલિકાની નવી અને યુવા ટીમ સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગઈ છે. આજે યુવા મેયર ઉત્તમભાઇ સુરાણી, ડેપ્યુટી મેયર ચિરાગભાઇ રાણપરા અને દંડક જયેશભાઇ દેસાઇએ ગ્રાઉન્ડ લેવલ પર ઉતરીને કુબેર નવલખી ફાટક પાસે ચાલી રહેલી પ્રી-મોન્સૂન કામગીરીની અચાનક મુલાકાત લીધી હતી.
પદાધિકારીઓની આ આકસ્મિક મુલાકાતથી તંત્રના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોમાં દોડધામ મચી ગઈ હતી. મુલાકાત દરમિયાન મેયર અને તેમની ટીમે સમગ્ર વિસ્તારનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું અને કામગીરીની ગુણવત્તા અંગે સ્થળ પર જ જરૂરી આદેશો આપ્યા હતા. ચોમાસા દરમિયાન કુબેર નવલખી ફાટક અને તેની આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની (વોટરલોગિંગની) ગંભીર સમસ્યા સર્જાતી હોય છે. આ વર્ષે નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે વોંકળાની ઊંડાઈ અને સફાઈ બરાબર થઈ છે કે નહીં તેની પદાધિકારીઓએ જાતે ચકાસણી કરી હતી.
નિરીક્ષણ દરમિયાન મેયર ઉત્તમભાઇ સુરાણીએ નોંધ્યું હતું કે વોંકળામાંથી કાઢવામાં આવેલો કચરો અને માટી બહાર જ રાખવામાં આવ્યા છે. તેમણે કડક શબ્દોમાં સૂચના આપી હતી કે આ કચરો ત્યાં જ પડી રહેવાને બદલે તરત જ ડમ્પિંગ સાઇટ પર ખસેડવામાં આવે, જેથી વરસાદ આવતા જ આ કચરો ફરી પાછો પાણીમાં વહી ન જાય અને મહેનત પાણીમાં ન ફરે. વરસાદ ગમે ત્યારે દસ્તક દઈ શકે તેમ હોઈ, પદાધિકારીઓએ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને સ્પષ્ટ અને કડક તાકીદ કરી છે કે ચોમાસું વિધિવત શરૂ થાય તે પહેલાં જ સફાઈની તમામ કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરી લેવામાં આવે. કામમાં કોઈ પણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં.

