Ahmedabad, તા.18
ભારતીય ટીમ બુધવારે ગ્રુપ સ્ટેજના છેલ્લા મેચમાં નેધરલેન્ડ સામે મેદાનમાં ઉતરશે. ટીમ પહેલેથી જ સુપર આઠમાં પહોંચી ગઈ છે, તેથી બેન્ચ સ્ટ્રેન્થને પારખવાની તક છે. જસપ્રીત બુમરાહે ત્રણમાંથી બે મેચ રમ્યા છે અને ઘણા લોકોને લાગતું હતું કે તેમને નેધરલેન્ડ સામે આરામ આપી શકાય છે. પરંતુ બેટિંગ કોચ સિતાંશુ કોટકે સ્પષ્ટ કરી દીધું કે એવું નહીં થાય.
કોટકે મંગળવારે પ્રી-મેચ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, `મને નથી લાગતું કે બુમરાહને આરામ આપવામાં આવશે. આ વિશે પછી નિર્ણય લેવાશે.’ રવિવારે પાકિસ્તાન સામેના મેચમાં બુમરાહે સઈમ અયુબ અને કપ્તાન સલમાન અલી આગાના મહત્વના વિકેટ લીધી હતી, જે બાદ પાકિસ્તાનને 61 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.
બીસીસીઆઈની સ્પોર્ટ્સ સાયન્સ ટીમ બુમરાહના વર્કલોડનું સાવધાનીપૂર્વક વ્યવસ્થાપન કરી રહી છે અને જરૂર પડ્યે તેમને સમયાંતરે આરામ આપવામાં આવે છે.
અભિષેક શર્માની ફિટનેસ અંગે કોટકે સકારાત્મક જવાબ આપ્યો. અભિષેક નામિબિયા સામે પેટના ઇન્ફેક્શનને કારણે રમી શક્યો નહોતો અને પાકિસ્તાન સામે શૂન્ય પર આઉટ થયો. કોટકે કહ્યું, `અભિષેકની તબિયત ઠીક નહોતી. છેલ્લા મેચમાં તે પહેલા ઓવરમાં જ આઉટ થયો. અમે વધુ વિશ્લેષણ નથી કરવા માંગતા. હવે તે ઠીક છે.’
કોટકે વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશનની તારીફ કરી. તેમણે કહ્યું, `તે પોતાના શરૂઆતના દિવસોથી જ આત્મવિશ્વાસથી ભરપૂર છે. ટી20 ક્રિકેટમાં આનાથી મદદ મળે છે. વર્લ્ડ કપ શરૂ થયા પછીથી અમે જોયું છે કે કોઈ પણ ટીમ કોઈ પણ ટીમને હરાવી શકે છે અને આ જ કારણ છે કે દરેક મેચ મહત્વપૂર્ણ છે.’

