વિશ્વ સાહિત્યમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાનું અદ્વિતીય સ્થાન છે.એ સાક્ષાત ભગવાનના શ્રીમુખથી નીકળેલી પરમ રહસ્યમયી દિવ્ય વાણી છે,એમાં સ્વયં ભગવાને અર્જુનને નિમિત્ત બનાવીને મનુષ્યમાત્રના કલ્યાણને માટે ઉપદેશ આપ્યો છે.આ નાનકડા ગ્રંથમાં ભગવાને પોતાના હ્રદયના બહુ જ વિલક્ષણ ભાવો ભરી દીધા છે,જેમનો આજ સુધી કોઇ પાર નથી પામી શક્યું અને ન પામી શકે છે.પરમશાંતિની પ્રાપ્તિનાં ઇચ્છુક સઘળાં ભાઇબહેનોને વિનમ્ર નિવેદન છે કે તેઓ આ ગ્રંથરત્નને અવશ્ય જ મનોયોગ્યપૂર્વક વાંચે, સમજે અને યથાસાધ્ય આચરણમાં મૂકવાનો પ્રયત્ન કરે.શ્રીમદ્ ભગવદ્ ગીતાનો મહિમા અગાધ અને અસીમ છે.આ ભગવદ્ ગીતા ગ્રંથ પ્રસ્થાનત્રયમાંનો માનવામાં આવે છે.મનુષ્યમાત્રના ઉદ્ધારને માટે ત્રણ રાજમાર્ગો ‘પ્રસ્થાનત્રય’ ના નામથી ઓળખવામાં આવે છે.એક વૈદિક પ્રસ્થાન છે,જેને ‘ઉપનિષદ્’ કહે છે,એક દાર્શનિક પ્રસ્થાન છે,જેને ‘બ્રહ્મસૂત્ર’ કહે છે અને એક સ્માર્ત પ્રસ્થાન છે જેને ‘ભગવદ્ ગીતા’ કહે છે.ઉપનિષદોમાં મંત્ર છે,બ્રહ્મસૂત્રમાં સૂત્ર છે અને ભગવદ્ ગીતામાં શ્ર્લોક છે.ભગવદ્ ગીતામાં શ્ર્લોલો હોવા છતાં પણ ભગવાનની વાણી હોવાથી એ મંત્રો જ છે.આ શ્ર્લોકોમાં બહુ જ ઉંડા અર્થ ભરેલા હોવાથી એમને સૂત્રો પણ કહી શકાય છે.‘ઉપનિષદ્’ અધિકારી મનુષ્યોના કામની ચીજ છે અને ‘બ્રહ્મસૂત્ર’ વિદ્વાનોના કામની ચીજ છે પરંતુ ‘ભગવદ્ ગીતા’ બધાયના કામની ચીજ છે.
ગીતાના પ્રચાર અને માન્યતા એટલાં થઇ ગયાં છે કે કોર્ટકચેરીઓમાં ગીતા ઉપર હાથ રાખીને સોગંદ ખાય છે.હવે તે હિન્દુધર્મનો બહુમાન્ય ધર્મગ્રંથ થઇ ગયો છે.ગીતા કોઇ સાંપ્રદાયિક નથી આ તેની વિશેષતા છે.ગીતા સૌની અપેક્ષા પુરી કરે છે.ગીતા ભક્તિનો ગ્રંથ છે.ડગલેને પગલે તે પ્રભુભક્તિની વાત કરે છે. ગીતામાં વારંવાર અનાસક્તિ,ફળત્યાગ,કૃષ્ણાર્પણભાવ વગેરે આવે છે.આ ભાવો જીવાત્માને લાલચું થતો અટકાવવા તથા લોભ-લાલચથી મુક્ત થઇને કામ કરવાની પ્રેરણા આપે છે.ગીતા ત્યાગ,વૈરાગ્ય અને વિતરાગ વગેરેની વાતો કરે છે છતાં કર્તવ્યવિમુખ બનાવતી નથી.ત્યાગ વગેરે ગુણો કર્તવ્યની સાથે જ શોભે.ગીતા કર્મવાદી છે કર્મત્યાગી નથી,તે કર્તવ્યકર્મો કરવાની પ્રેરણા આપે છે.છે.ગીતા દ્રઢતાથી ભક્તિની વાત કરે છે.તેમાં શરણાગતભક્તિનો વારંવાર ઉપદેશ છે.ગીતા જ્ઞાનને જ મહત્વ આપે છે.છે.પૂર્વગ્રહો અને સંપ્રદાયગ્રહોથી મુક્ત રહી વાંચવાની છે.
ભગવદ્ ગીતા એક બહુ જ અલૌકિક અને વિલક્ષણ ગ્રંથ છે,એમાં સાધકને માટે ઉપયોગી સઘળી સામગ્રી મળે જે ચાહે તે કોઇ પણ દેશની,કોઇપણ વેશની,કોઇપણ સમુદાય,કોઇપણ સંપ્રદાયની,કોઇપણ વર્ણની કે કોઇપણ આશ્રમની કોઇપણ વ્યક્તિ કેમ ન હોય,એનું કારણ એ છે કે એમાં કોઇ સમુદાયવિશેષની નિંદા કે પ્રશંસા નથી પરંતુ વાસ્તવિક તત્વનું જ વર્ણન છે.વાસ્તવિક તત્વ(પરમાત્મા) એ છે જે પરિવર્તનશીલ પ્રકૃતિ અને પ્રકૃતિજન્ય પદાર્થોથી સર્વથા અતીત અને સકળ દેશ,કાળ,વસ્તુ,વ્યક્તિ, પરિસ્થિતિ વગેરેમાં નિત્યનિરંતર એકરસ-એકરૂપ રહેવાવાળું છે.જે મનુષ્ય જ્યાં છે અને જેવો છે,વાસ્તવિક તત્વ ત્યાં તેવું જ પૂર્ણરૂપે વિદ્યમાન છે પરંતુ પરિવર્તનશીલ પ્રકૃતિજન્ય વસ્તુઓ અને વ્યક્તિઓમાં રાગદ્વેષ રહિત થતાં તેનો આપોઆપ અનુભવ થઇ જાય છે.
ભગવદ્ ગીતાનો ઉપદેશ મહાન અલૌકિક છે,એના ઉપર કેટલીય ટીકાઓ થઇ ગઇ અને કેટલીય થતી જ રહી છે છતાં પણ સંતમહાત્માઓ અને વિદ્વાનોના મનમાં ગીતાના નવાનવા ભાવો પ્રગટ થતા રહે છે.આ ગંભીર ગ્રંથ ઉપર ગમે તેટલો વિચાર કરવામાં આવે તો પણ એનો કોઇ પાર નથી પામી શક્તું,એમાં જેમજેમ ઊંડા ઊતરતા જઇએ છીએ,તેમ તેમ એમાંથી ઊંડી વાતો મળતી જાય છે.જો એક સારા વિદ્વાન પુરૂષના ભાવોનો પણ જલદી અંત નથી આવતો તો પછી જેમનું નામ,રૂપ વગેરે યાવન્માત્ર અનંત છે,એવા ભગવાન દ્વારા કહેવાયેલાં વચનોમાં ભરેલા ભાવોનો અંત કેવી રીતે આવી શકે? આ નાનકડા ગ્રંથમાં એટલી વિલક્ષણતા છે કે પોતાનું વાસ્તવિક કલ્યાણ ઇચ્છવાવાળો કોઇ પણ વર્ણ,આશ્રમ,દેશ,સંપ્રદાય,મત વગેરેનો કોઇ પણ મનુષ્ય કેમ ના હોય,આ ગ્રંથને વાંચતાં જ તેનાથી આકર્ષાઇ જાય છે.જો મનુષ્ય આ ગ્રંથનું થોડુંક પણ પઠનપાઠન કરે તો એને એમાંથી પોતાના ઉદ્ધારને માટેનો બહુ જ સંતોષજનક ઉપાય મળે છે.પ્રત્યેક દર્શનના અલગ-અલગ અધિકારી હોય છે પણ ગીતાની એ વિલક્ષણતા છે કે પોતાનો ઉદ્ધાર ઇચ્છવાવાળા તમામ એના અધિકારી છે.
ભગવદ્ ગીતામાં સાધનોનું વર્ણન કરવામાં,વિસ્તારપૂર્વક સમજાવવામાં અને પ્રત્યેક સાધનને અનેક વાર કહેવામાં સંકોચ કરવામાં આવ્યો નથી છતાં પણ ગ્રંથનું કદ નથી વધ્યું.આવો સંક્ષેપમાં વિસ્તૃત,યથાર્થ અને સઘળી વાત બતાવવાવાળો બીજો કોઇ ગ્રંથ જોવા મળતો નથી.પોતાના કલ્યાણની ઉત્કટ અભિલાષા વાળો મનુષ્ય દરેક પરિસ્થિતિમાં પરમાત્મતત્વને પ્રાપ્ત કરી શકે છે.યુદ્ધ જેવી ઘોર પરિસ્થિતિમાં પણ પોતાનું કલ્યાણ કરી શકે છે-આ રીતે વ્યવહારમાત્રમાં પરમાર્થની કલા ગીતામાં શીખવવામાં આવે છે. આથી તેની બરોબરીનો બીજો કોઇ ગ્રંથ જોવામાં નથી આવતો.ગીતા એક પ્રાસાદિક ગ્રંથ છે,એનો આશ્રય લઇને પાઠ કરવા માત્રથી ઘણા વિચિત્ર-અલૌકિક અને શાંતિદાયક ભાવો સ્ફુરિત થાય છે,એનો મન દઇને પાઠ કરવા માત્રથી ઘણી જ શાંતિ મળે છે અને એક વિધિ એવી છે કે પહેલાં ગીતાનો આખો શ્ર્લોક અર્થસહિત કંઠસ્થ કરી લેવામાં આવે પછી એકાંતમાં બેસીને ગીતાના અંતિમ શ્ર્લોક અહીંથી લઇને ગીતાના પહેલા શ્ર્લોક ‘ધર્મક્ષેત્રે કુરૂક્ષેત્રે’ અહીં સુધી પુસ્તક વિના ઊલટો પાઠ કરવામાં આવે તો ઘણી શાંતિ મળે છે. જો દરરોજ આખી ગીતાનો એક કે અનેક વખત પાઠ કરવામાં આવે તો એનાથી ગીતાના વિશેષ અર્થો સ્ફુરિત થાય છે,મનમાં કોઇ શંકા થાય તો પાઠ કરતાં કરતાં એનું સમાધાન થઇ જાય છે.
વાસ્તવમાં આ ગ્રંથના મહિમાનું વર્ણન કરવામાં કોઇ પણ સમર્થ નથી.અનંત મહિમાશાળી ગ્રંથના મહિમાનું વર્ણન કરી જ કોણ શકે છે? ભગવાનમાં સંસારમાત્રની ઉત્પત્તિ-સ્થિતિ અને પ્રલય વગેરેનું જે સામર્થ્ય છે તે સામર્થ્ય યોગીમાં આવતું નથી.યોગીમાં જે સામર્થ્ય આવે છે તેનાથી તે સંસારમાત્ર ઉપર વિજય પ્રાપ્ત કરી લે છે એટલે કે કોઇપણ અનુકૂળ-પ્રતિકૂળ પરિસ્થિતિ આવે તો પણ તેના ઉપર કોઇ અસર પડતી નથી.પાતંજલયોગદર્શનમાં ચિત્તવૃતિઓના નિરોધને યોગ નામથી કહેવામાં આવ્યો છે. ‘યોગશ્ચિત્તવૃત્તિનિરોધઃ’ અને એ યોગનું પરિણામ બતાવ્યું છે-દ્રષ્ટાની સ્વરૂપમાં સ્થિતિ થઇ જવી.આ રીતે પાતંજલયોગદર્શનમાં યોગનું જે પરિણામ બતાવવામાં આવ્યું છે અને એને જ ગીતામાં ‘યોગ’ નામથી કહેવામાં આવ્યું છે.ગીતા ચિત્તવૃતિઓથી સર્વથા સંબંધવિચ્છેદપૂર્વક સ્વતઃસિદ્ધ સમસ્વરૂપમાં થવાવાળી સ્વાભાવિક સ્થિતિને યોગ કહે છે,એ સમતામાં સ્થિતિ નિત્યયોગ થઇ જતાં પછી ક્યારેય તેનાથી વિયોગ થતો નથી,ક્યારેય વૃતિરૂપતા કે વ્યુત્થાન થતું નથી.વૃતિઓનો નિરોધ થઇ જતાં નિર્વિકલ્પ અવસ્થા થાય છે પરંતુ સમતામાં સ્થિતિ થઇ જતાં ‘નિર્વિકલ્પ બોધ’ થાય છે.‘નિર્વિકલ્પ બોધ’ અવસ્થાતીત અને સઘળી અવસ્થાઓનો પ્રકાશક છે.
સમતા કે નિત્યયોગનો અનુભવ કરવાને માટે ગીતામાં ત્રણ યોગમાર્ગોનું વર્ણન કરવામાં આવ્યું છે. કર્મયોગ-જ્ઞાનયોગ અને ભક્તિયોગ.સ્થૂળ-સૂક્ષ્મ અને કારણ આ ત્રણેય શરીરોનો સંસારની સાથે અભિન્ન સંબંધ છે,આથી આ ત્રણેયને બીજાઓની સેવામાં જોતરી દે એ કર્મયોગ થયો.પોતે એમનાથી અસંગ થઇને પોતાના સ્વરૂપમાં સ્થિત થઇ જાય એ જ્ઞાનયોગ થયો અને પોતે ભગવાનને સમર્પિત થઇ જાય એ ભક્તિયોગ થયો.આ ત્રણેય યોગોને સિદ્ધ કરવાને માટે એટલે કે પોતાનો ઉદ્ધાર કરવાને માટે મનુષ્યને ત્રણ શક્તિઓ મળેલી છે.કરવાની શક્તિ(બળ),જાણવાની શક્તિ(જ્ઞાન) અને માનવાની શક્તિ(વિશ્વાસ). કરવાની શક્તિ નિઃસ્વાર્થ ભાવથી સંસારની સેવા કરવાને માટે છે જે કર્મયોગ છે,જાણવાની શક્તિ પોતાના સ્વરૂપને જાણવા માટે છે તે જ્ઞાનયોગ છે અને માનવાની શક્તિ ભગવાનને પોતાના તથા પોતાને ભગવાનના માનીને સર્વથા ભગવાનને સમર્પિત થવાને માટે છે જે ભક્તિયોગ છે.જેનામાં કરવાની રૂચિ વધુ છે તે કર્મયોગનો અધિકારી છે.જેનામાં પોતાની જાતને જાણવાની જિજ્ઞાસા અધિક છે તે જ્ઞાનયોગનો અધિકારી છે. જેનો ભગવાન ઉપર શ્રદ્ધા-વિશ્વાસ વધુ છે તે ભક્તિયોગનો અધિકારી છે.આ ત્રણેય યોગમાર્ગ પરમાત્મા પ્રાપ્તિનાં સ્વતંત્ર સાધન છે.બીજા બધા જ સાધનો આ ત્રણેયની અંતર્ગત આવી જાય છે.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)

