ખ્યાતનામ કલાકારો અભેસિંહ રાઠોડ, રાધાબેન વ્યાસ અને પંકજ ભટ્ટે ઝવેરચંદ મેઘાણી સંશોધિત-સંપાદિત પ્રાચીન લોકગીતો-રાસ-ગરબાની રમઝટ બોલાવી
Rajkot તા.૯ઃ
નવલી નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની બાલ્યાવસ્થાની લીલાભૂમિ રાજકોટ સ્થિત કડવીબાઈ વીરાણી કન્યા વિદ્યાલય ખાતે ખાસ વિદ્યાર્થીનીઓ માટે રઢિયાળી રાત કાર્યક્ર્મનું ભવ્ય આયોજન થયું હતું.
નવી પેઢી આપણી ગૌરવવંતી સંસ્કૃતિ-સાહિત્ય-સંગીતની મહામૂલી વિરાસતથી પરિચિત-પ્રેરિત થાય તેમજ નવરાત્રિનું અસલ સાત્વિક સ્વરૂપને જાણી-માણી શકે તે આશયથી ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન તથા શ્રી વલ્લભ કન્યા કેળવણી મંડળ દ્વારા આ પ્રેરક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. અગ્રગણ્ય સ્વાતંત્ર્ય સેનાનીઓ દરબાર ગોપાળદાસ દેસાઈ અને ભક્તિબાના અમેરિકા સ્થિત સેવાભાવી તબીબ પુત્ર ડો. બારીન્દ્રભાઈ દેસાઈનો આર્થિક સહયોગ પ્રાપ્ત થયો હતો.
ખ્યાતનામ લોકકલાકારો અભેસિંહ રાઠોડ, રાધાબેન વ્યાસ અને પંકજ ભટ્ટે ઝવેરચંદ મેઘાણી સંશોધિત-સંપાદિત પ્રાચીન લોકગીતો-રાસ-ગરબાની રમઝટ બોલાવીને ઉપસ્થિત સહુને ડોલાવી દીધાં હતાં. ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીનીઓ મન મૂકીને ગરબે રમી હતી. ચાંદો ઊગ્યો ચોકમાં, જોડે રહેજો રાજ, દાદા હો દીકરી, મહેંદી તે વાવી, સવા બશેરનું મારું દાતરડું, સોના વાટકડી રે, આભમાં ઝીણી ઝબૂકે વીજળી, કાન તારી મોરલી, ઝૂલણ મોરલી, મને કેર કાંટો વાગ્યો, જોબનિયું આજ આવ્યું, છલકાતું આવે બેડલું, શરદ પૂનમની રાતડી રંગ ડોલરિયો જેવાં આજે પણ લોકમુખે રમતાં સદાબહાર પ્રાચીન લોકગીતો રજૂ થયાં હતાં.
શ્રી વલ્લભ કન્યા કેળવણી મંડળના પ્રમુખ રમેશભાઈ પટેલ, મંત્રી મધુભાઈ ડોંગા અને નિયામક હીરાબેન માંજરીયા, સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના પ્રમુખ હિંમતભાઈ ગોડા, ઉપપ્રમુખ વલ્લભભાઈ લાખાણી, મંત્રી અને ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગના ચેરમેન પરાગભાઈ ત્રિવેદી, સર્વોદય સેવા સંઘના મેનેજિંગ ટ્રસ્ટી દિલીપભાઈ શુક્લ, નિવૃત્ત પોલીસ ઈન્સપેકટર જે. બી. જાડેજા, ચોટીલાથી શિક્ષણ-જગતના કિરીટસિંહ રહેવર (મામા) અને ઉગ્રસેનસિંહ ગોહિલ, તુષારભાઈ ભટ્ટ, વાલજીભાઈ પિત્રોડા, પિયૂષભાઈ વ્યાસ, શ્રી વલ્લભ કન્યા કેળવણી મંડળ સંચાલિત તમામ વિભાગના આચાર્યો અને શિક્ષકોની ઉપસ્થિતિ રહી હતી.પિનાકી મેઘાણીની પ્રેરણા અને પ્રયાસો થકી સતત ૧૫મા વર્ષે, ખાસ શાળા-કોલેજનાં વિદ્યાર્થો માટે, ઝવેરચંદ મેઘાણીના જીવન અને કાર્ય સાથે સંકળાયેલાં વિવિધ ઐતિહાસિક સ્મૃતિ-સ્થળો ખાતે રઢિયાળી રાત કાર્યક્ર્મોના આયોજનો થઈ રહ્યા છે જે ખાસ ઉલ્લેખનીય છે.

