વાહનની ઠોકરે યુવાનનું મોત થઇ ગયાના પ્રાથમિક અહેવાલ વચ્ચે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા એસઆરપીમેનના ભાઈની હત્યા થયાનું ખુલ્યું’તું
આરોપીના ભાઈ નાસિરે યુવાનની હત્યા નીપજાવી અડધા લાખની રોકડ લૂંટી લીધાની કબૂલાત આપી’તી
જાવલો ધરપકડથી બચવા દેશભરમાં ભાટકતો રહ્યો : પોલિસની ટીમે એક વર્ષ સુધી અલગ અલગ રાજ્યોમાં શોધ્યો, અંતે ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી
Rajkot,તા.૨૧
રાજકોટ-અમદાવાદ હાઇવે પર ગુંદા ગામના પાટીયા પાસે વર્ષ 2014 માં એક યુવાનનો ઈજાગ્રસ્ત હાલતમાં મૃતદેહ મળ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માત જેવા લાગતો બનાવ પાછળથી હત્યામાં પલટાયો હતો. યુવાનને ટ્રક તળે કચડી અડધા લાખની લૂંટ ચલાવી લેવાયાનું પોલિસની તપાસમાં ખુલ્યું હતું. જે બાદ હત્યાના ગુનામાં એક આરોપીને પકડી લેવામાં આવ્યો હતો જયારે મુખ્ય સૂત્રધાર ફરાર હતો. ત્યારે ક્રાઇમ બ્રાન્ચે લૂંટ વિથ મર્ડરના ગુનામાં 12 વર્ષથી ફરાર આરોપીને અંતે ઝડપી લીધો હતો.
વર્ષ 2014 માં તાં.11/06 ના રોજ ગાંધીનગર સેક્ટર-૨૩ માં રહેતાં અને મૂળ ગોંડલના બીલખા (ભાદર ડેમ) ના વતની અને એસઆરપી ગ્રૂપ -૧૩ રાજકોટમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા સંજયકુમાર જયંતીલાલ પંડ્યાએ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ બે ભાઇ છે. જેમા નાનો ભાઈ જયેશ (ઉ.વ. ૪૧) હતો. તે સમયે તેઓને કુવાડવા રોડ પોલીસ મથકથી જાણ થયેલ કે, તેમના ભાઇ જયેશનુ રાજકોટ અમદાવાદ હાઇવે રોડ ઉપર આવેલ ગુંદાગામના પાટીયાથી ગુંદાગામ તરફ જવાના રોડ પર ટ્રક ફરી વળતા મુત્યું પામેલ છે. ત્યારે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે તેમની સાથેના અજાણ્યા ચાલકે બેદરકારી દાખવી તેના ભાઈ પર ટ્રક ફરી વળતા ઘટના ઘટી છે. જે મામલે જે તે સમયે કુવાડવા રોડ પોલીસ મથકમાં ગુનો નોંધાયા બાદ તપાસ પીએસઆઇ બી.ટી. ગોહિલ અને ટીમે આદરી હતી.
જે તપાસમાં ટ્રક ચાલકનું મોત અકસ્માતથી નહિ પણ હત્યા હોવાનુ પોલીસની સામે આવતાં તુરંત જ સીસીટીવી આધારે ગુનો ડીટેકટ કરી મુખ્ય સૂત્રધારના ભાઈ નાસીર પઠાણને દબોચી પુછતાછ કરતા તેના ભાઈ જાવેદ ઉર્ફે જાવલાએ સાથે મળી મૃતક મિત્રને ટ્રક નીચે કચડી રોકડ રૂ.૫૦ હજારની લૂંટ ચલાવી હોવાનો ઘટસ્ફોટ થતાં પોલીસે નાસીરની ધરપકડ કરી બાદ મુખ્ય સૂત્રધાર જાવેદ ફરાર થઇ ગયો હતો. કુવાડવા પોલીસ મથકના લૂંટ વિથ મર્ડરના ગુનામાં સંડોવાયેલ જાવેદ ઉર્ફે જાવીદ ઉર્ફે જાવલો અજીતખાન પઠાણ (ઉ.વ.૪૮ મુળ રહે.ચાપરાજપુર ગામ હુડકો સોસાયટી ફાટક પાસે, જેતપુર) ને ધોરાજી પંથકના સોડવદર ગામેથી દબોચી લઈ કાર્યવાહી કરી હતી.
જે અંગે વધુમાં પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે, આરોપી લૂંટ વિથ મર્ડરના ગુનાને અંજામ આપી ગુજરાત રાજ્ય છોડીને બહારના રાજ્યમાં જ રહેતો હતો. તે ટ્રક ડ્રાઇવિંગ કરી ભારતના તમામ રાજ્યમાં નાસતો ફરતો હતો, તે અગાઉ ક્યારેય પણ ગુજરાત આવ્યો ન હતો. પરિવાર સાથે પણ સંપર્ક ધરાવતો ન હતો. પરંતુ ક્રાઈમ બ્રાન્ચની ટીમ છેલ્લા એક વર્ષથી આરોપી પર ટેકનિકલ અને હ્યુમન સોર્સથી વોચ રાખીને બેઠી હતી. તે દરમિયાન પીએસઆઇ એ.એન.પરમાર અને ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, આરોપી હાલ સોડવદર ગામની સીમમાં આવ્યો છે, જે બાતમીના આધારે આરોપીને દબોચી 14 વર્ષ જૂના લૂંટ વિથ મર્ડરના ગુનામાં ફરાર મુખ્ય સૂત્રધારને દબોચી લીધો હતો.

