Morbi તા.30
હળવદના ધુળકોટ ગામે આવેલ શક્તિ માતાજીના મંદિરને તસ્કરે નિશાન બનાવ્યું છે અને ત્યાં મંદિરની અંદર રાખવામાં આવેલા સોના અને ચાંદીના 80 જેટલા છતર તેમજ ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડી આમ કુલ મળીને 75 હજાર રૂપિયાની કિંમતના મુદ્દામાલની મંદિરમાંથી ચોરી કરવામાં આવેલ છે જેથી આ બનાવ સંદર્ભે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ધુળકોટ ગામે રહેતા અર્જુનસિંહ હરભમજી જાડેજા (49)એ અજાણ્યા શખ્સની સામે મંદિરમાં ચોરીની ફરિયાદ નોંધાવેલ છે ધુળકોટ ગામે આવેલ શક્તિ માતાજીનાં મંદિરને અજાણ્યા શખ્સ દ્વારા ગત તા. 17-3 ના રાત્રીના 10:00 વાગ્યાથી લઈને બીજા દિવસે સવારના 6:15 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન નિશાન બનાવવામાં આવ્યું હતું.
અને ત્યાં મંદિરમાં રાખવામાં આવેલા ચાંદીના નાના-મોટા કુલ મળીને 70 છતર, એક ચાંદીનો મુગટ જેની કુલ કિંમત 45000 રૂપિયા તથા સોનાના નાના-મોટા જુના 10 નંગ છતર અને બે સોનાની ટીલડી જેની કુલ કિંમત 30,000 રૂપિયા આમ કુલ મળીને 75,000 ની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે જેથી હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા તજવીજ શરૂ કરેલ છે
સનાળા ગામે આવેલ રામજી મંદિર વાળી શેરીમાં એકટીવા નંબર જીજે 36 એક્યુ 5932 દારૂની બે બોટલ મળી આવતા 600 રૂપિયાની કિંમતની દારૂની બોટલ તથા 50,000 રૂપિયાની કિંમતનું વાહન આમ કુલ 50,600 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો જોકે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે એકટીવાનો ચાલક ત્યાં સ્થળ ઉપર હાજર ન હોય હાલમાં એ ડિવિઝન ખાતે ગુનો નોંધીને પોલીસ આરોપીને પકડવા તજવીજ શરૂ કરેલ છે.

