Porbandar, તા.6
ગાંધીભૂમિ પોરબંદરમાં વહેલી સવાર રક્તરંજિત સાબિત થઈ છે. શહેરના એરપોર્ટ રોડ પર બે મોટરસાયકલ વચ્ચે સર્જાયેલા ભયાનક અકસ્માતે ત્રણ પરિવારોના વહાલસોયા દીકરા છીનવી લીધા છે.
વહેલી સવારે 5 થી 6 વાગ્યાના સુમારે બનેલી આ દુર્ઘટનામાં કુલ પાંચ યુવાનો અડફેટે આવ્યા હતા, જેમાંથી ત્રણના કણ મોત નિપજ્યા છે, જ્યારે બે ઈજાગ્રસ્તો જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.
મળતી માહિતી મુજબ, એરપોર્ટ રોડ પર બે બાઈક સામસામે ફૂલ ઝડપે આવી રહ્યા હતા ત્યારે તેમની વચ્ચે સીધી અને પ્રચંડ ટક્કર થઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે બાઈક પર સવાર પાંચેય યુવાનો રોડ પર ફંગોળાયા હતા અને ઘટનાસ્થળે લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક મદદ માટે દોડી આવી એમ્બ્યુલન્સ મારફતે તમામને હોસ્પિટલ ખસેડ્યા હતા.
આ અકસ્માતમાં મિલન નારણભાઈ બાદરશાહી (ઉં.વ. 26) દિપેશ નીતિનભાઈ ઢાકેચા (ઉં.વ. 18) વનરાજ મનિષભાઈ ઝાલા (ઉં.વ. 17)ને હોસ્પિટલમાં તબીબે મૃત જાહેર કર્યા હતા.
અકસ્માતમાં અન્ય બે કિશોર/યુવાનો ઘાયલ થયા છે. જેમાં 24 વર્ષીય પિયુષ કિશોર લોઢારીની સ્થિતિ અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે 14 વર્ષીય પ્રતિક નિલેશ જેઠવાની હાલત હાલમાં સ્થિર છે. માત્ર 17 થી 26 વર્ષની વયના આ આશાસ્પદ યુવાનોના મોતના સમાચાર મળતા જ તેમના પરિવારજનો હોસ્પિટલ દોડી આવ્યા હતા અને હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા.
પોરબંદર પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વહેલી સવારના સમયે કયા કારણોસર આટલી ભયાનક ટક્કર થઈ તે અંગે સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.
સોની બજાર અને પંચહાટડી જેવા રહેણાંક વિસ્તારોમાં યુવાનોના અકાળે અવસાનથી માતમ છવાઈ ગયો છે. પ્રાથમિક વિગત મુજબ મિત્રનો જન્મદિવસ ઉજવી પરત ફરતા હતા ત્યારે વહેલી સવારે એરપોર્ટ રોડ પર અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળેલ છે.
ઘટનાની જાણ થતા જ પોલીસકાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચી ગયો હતો. અકસ્માતનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ વહેલી સવારના સમયે સર્જાયેલી આ સીધી ટક્કરે અનેક પરિવારોની આશા છીનવી લીધી છે.
પોરબંદરના સોની બજાર અને પંચહાટડી જેવા વિસ્તારોમાં આ સમાચાર વહેતા થતા જ શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.

