ફાલ્ગુની વસાવડા
હે ઈશ્વર.
આપનાં શ્રીચરણોમાં મારાં સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. બ્રહ્મા એ જ્યારે જીવ સૃષ્ટિનું સર્જન કર્યું અને પોતાના માનસ પુત્રો, પ્રજાપતિઓને માનવ સૃષ્ટિ સર્જનનું સોંપ્યું હતું. જેમાં મુખ્યત્વે દક્ષ, કશ્યપ, મરીચી, અને સ્વયંભુવ મનુ જેવા ઋષિઓનો સમાવેશ થાય છે, જેમણે આગળ જઈને માનવ વંશનો વિસ્તાર કર્યો! પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે એ લોકો એ જેટલા માનવ વંશનું સર્જન કર્યું એટલાં જ રહ્યા! કારણકે એમાં પુરુષ જ હતાં સ્ત્રી વંશ નહોતો! પરંતુ ઈશ્વર ને પૃથ્વી પર માનવ સૃષ્ટિ નું નિર્માણ કરવું હતું અને એટલે આપણે શિવપુરાણ માં જોયું કે ભગવાન શિવે પાર્વતીને આ કામ સોંપ્યું અને પછી પુરુષ અને સ્ત્રી નું મિલન થયું અને જે જીવ સૃષ્ટિનું નિર્માણ થયું એ ટકી ગઈ! એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે ઈશ્વર ઈચ્છે છે કે મનુષ્ય જન્મ લઈ મોટો થઈ સંસારી બને અને આમ આ વંશ વધતો જાય! હાલાકી હવે એ વંશ વિસ્તાર ખૂબ વધી ગયો છે. ટૂંકમાં સંસારી હોવું એ કોઈ શરમની વાત નથી! સમ્યક ભાવે સમસ્ત વ્યવહાર નિભાવીને આ સંસારમાં જીવીને, મનુષ્ય એ શક્તિ, બુદ્ધિ, વિદ્યા, ક્ષમા, મૈત્રી, પ્રિતી,ભક્તિ, કરુણા અને શાંતિ જેવાં ભાવને હ્રદયસ્થ રાખી જીવન મુક્તિ સુધીની સફર તય કરવાની હોય! પણ પરમાત્મા નિર્ગુણ અને આપણે તો અંત સુધી નગુણા જ રહ્યા એટલે સંસારને જ જન્મનો સાર સમજી જીવ્યાં અને મર્યા! ભોગ નો આ ભાવ જ સંસાર ને ભવ સાગર બનાવે છે અને કેમે કરીને એ પાર થતો નથી! પણ આજે ગુરુવાર એટલે નરસિંહની અમર ચેતના ને શત વંદન કરી એણે બતાવેલ માર્ગ પર ચાલવાનું છે!
**નરસિંહ મહેતા**
**રાખ ભવસિંધુના અતાગ મહા ભય થકી,
નામ નારાયણ નાવ મેલી.
ગોરવ સિંધુની વેળની રેલમાં
મહેરના પવનને મેલ ઠેલી..(૧)
સંસાર એવો ભવસાગર છે કે એનો તાગ મેળવી શકાતો નથી! એટલે કે એની ઉંડાઈ નો અંદાજ આંકવામાં આવે તો, દુઃખ અને ભય સિવાય બીજું કંઈ જ દેખાતું નથી. પરંતુ આ ભવસાગર મા નારાયણ નાં નામની હોડી તરતી મુકીએ તો આખું ચિત્ર બદલી જાય છે, જે ગર્વ મોહ અને ભય જેવા પૂરમાં તણાઈ જવાશે એવું લાગતું હતું ત્યાં નારાયણની મહેર થઇ એટલે કે કૃપાનો પવન આ ભય સ્થાનો ને દૂર ઠેલી દે છે.
**વિષય તૃષ્ણા હરો મોહ મન ના ધરો,
હું ને મારું જગત તેમાં બૂડો,
તું થકી વેગળા આસુરી માં ભળ્યાં
શરણ આવ્યાં જેનો અખંડ ચૂડો…(૨)
નરસિંહ નારાયણ ને કહે છે કે મારા મનનાં વિષય તૃષ્ણાને હરી લ્યો, મનમાં મોહ ધારણ કર્યા વગર રહી શકો! હું અને મારું વાળા અહંકાર ભર્યા જગતની માન્યતા જ ભવસાગરમાં ડૂબી જાય! જે તારાં થી વેગળા અથવા છૂટા પડ્યાં એ અસૂર સાથે ભળ્યા! અને જે સૌભાગ્ય વતી હોય એ જ નારાયણનાં શરણે આવશે.
**સુખ તો અલ્પ ને દુઃખ સાગર જસુ,
જન્મિયો જંતુ તે જન્મરોગી.
એક નિશ્ચે તારા નામનો આશરો,
હશે કોઈ વિરલો તેનો ભોગી…(૩)
દુન્યવી ભાવથી જોઈએ તો સુખ બહું થોડા છે અને દુઃખ તો સાગર જેટલા! પણ આ દુઃખનો સાગર પાર કરવા માટે તારાં નામનો આશરો જ શ્રેષ્ઠ છે એવો નિશ્ચય કરી શકે એવો વિરલ ભક્ત તો ભાગ્યે જ કોઈ હશે.
કલેશ આ વિશ્વનાં તાપ નિવારવાં,
મંગલ શ્રીકૃષ્ણનું નામ જાણો;
બે ઉપર જોડીને નરસૈયો વિનવે,
ભવજળ બુડતાં બાંહે તાણો…(૪)
આ વિશ્વના ક્લેશ અને તાપ નું નિવારણ કરનાર કોઈ હોય તો એ શ્રીકૃષ્ણ નું મંગલમય નામ છે! અને સંસારીઓ ને નરસિંહ બે હાથ જોડીને વિનવે છે, કે ભવસાગર ના જળમાં જો ડૂબી જઈએ તો અમારું બાવડું ઝાલીને અમને તણાઈ જતાં બચાવજે.
આ પણ નામ સ્મરણનો મહિમા ગાતી જ રચના છે! પરંતુ રુપક આપવામાં નરસિંહનો જોટો જડવો મુશ્કેલ છે! જેમ કે નરસિંહ ભવસાગર આગળ રાખ શબ્દ પ્રયોગ કરીને બહુ મોટી વાત કરે છે, કે માનવ શરીર અંતે તો રાખ જ છે! અને આ ભવસાગરનું તળિયું એટલું ઉંડુ છે, કે વિચારીને ભય લાગે છે. હકીકતમાં નરસિંહ અતાગ શબ્દ પ્રયોગ એટલાં માટે કરે છે,કે સંસાર રુપી ભવસાગરનું તો એણે ખુદ નિર્માણ કર્યું છે, અને વ્યક્તિ ખુદ, વર્તન, વ્યવહાર, કે વ્યવસ્થાને નામે આસપાસ એટલું બધું ખડકતો ગયો, કે એનાં જીવનની સચ્ચાઈ સાવ તળિયે જતી રહી! અને એટલે હવે મૂળ માનવતા વિશે કે જે સાવ તળિયે પડી છે, એને વિશે વિચારીને જ એને ભય લાગે છે, પણ છતાં જો નારાયણનું નામ લીધું હશે, તો કૃપા બહુ મોટું કામ કરે છે, અને આ તમામ ભયને દૂર ઠેલી દે છે. અસૂર અને અખંડ ચૂડો , આ બે શબ્દ પ્રયોગ કરીને નરસિંહ કહે છે, સમયે ઈશ્વર સ્મરણ જો ચૂકી જઈએ તો, આંતરિક વૃત્તિઓમાં અસૂર પણું આવી જશે, એટલે કે અન્ય ને પ્રતાડિત કરતી વિકૃતિ આવશે અને જીવન પતન તરફ જશે! જે ભોગ છોડવાનું ક્યારેય વિચારશે નહીં, ભક્તિનો ભાવ અનુભવ્યાં વગર જ મરણને શરણ થશે. અખંડ ચૂડો એટલે કે નારાયણનાં નામની ભક્તિ સ્વામીની છત્રછાયા મેળવીને પરમ સૌભાગ્ય પ્રાપ્ત કરશે! બિલકુલ સૌભાગ્યવતી સ્ત્રી જેમ પછી એને પોતાનાં પતિ કહે એ જ ધર્મ એમ કર્મનું બંધન છૂટી જશે, એટલે કે ભક્તિનો ભાવ શ્રેષ્ઠ છે. માનવીય મન કાયમ અતૃપ્ત રહે છે, એટલે એને સુખની અવધિ કાયમ ટૂંકી લાગે છે, અને એ જ રીતે નાની ફોડકી પણ એને ગુમડું લાગે, એમ દુઃખની વૃત્તિ મૂંઢીયા ગુમડાં જેમ સતત મોટા સાગરના મોજાં જેમ લબકારા મારે છે! જન્મ સમયે જે જંતુ જેવડો જન્મરોગી હતો, એટલે કે જન્મથી જ જેને “હું પણા” નો રોગ લાગ્યો છે, એ નામનાં સહારે નિરોગી બની વિરલ વ્યક્તિત્વનો સ્વામી બનશે! વિશ્વના આવાં અનેક ક્લેશ, સંકટ અને તાપનું નિવારણ માત્ર મંગલમય શ્રીકૃષ્ણનું નામ જ છે! અને એટલે નરસૈંયો હાથ જોડીને નારાયણને વિનવે છે, કે તમે જ મને આ ભવજળ માં ડૂબતા હોઈએ ત્યારે બાવડું ઝાલીને બહાર કાઢજો. આમ નરસિંહ ચારે વેદનાં સાર એટલે કે હરિનામ સ્મરણની વાત સહજ સમજાઈ જાય એમ આપણી આગળ મુકીને પોતાની ભક્તિનો એકડો ઘૂંટે છે, અને આપણાં જેવાં સંસારીઓ માટે આનાથી કોઈ સરળ માર્ગ છે નહીં! માટે હરિને ભજીને એ રીતે સ્વામી આગળ સેવક બનીને પણ પ્રમુખ પદ ભોગવી શકાય છે! એમ સૂચવે છે. સંસારીઓ માટે કળિયુગમાં નામથી સરળ અને છતાં શ્રેષ્ઠ કોઈ સાધન નથી, માટે આપણે સૌ એને જીવન મંત્ર બનાવી અને બચેલા જીવનને ધન્ય બનાવી શકીએ એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું ફરી મળીશું નવાં ચિંતન મનન સાથે તો સૌને મારા આજનાં દિવસનાં સ્નેહ વંદન અને જય સીયારામ.
લી. ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

